Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અયોધ્યા : ચુકાદાથી પહેલા ઉત્તરપ્રદેશમાં એલર્ટ જાહેર

૧૦મી ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગૂ : ૩૦મી નવેમ્બર સુધી બધા સરકારી અધિકારીઓની રજા રદ : અધિકારીઓને ઓફિસોમાં ઉપસ્થિત રહેવા આદેશો

નવીદિલ્હી, તા. ૧૬ : અયોધ્યા મામલામાં છેલ્લી સુનાવણી આજે પૂર્ણ થઇ ગઇ હતી. એમ માનવામાં આવે છેકે, ૧૭મી નવેમ્બરથી પહેલા અયોધ્યા મામલામાં અંતિમ ફેંસલો સુપ્રીમ કોર્ટનો આવી જશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કહી ચુક્યા છે કે, હવે આ મામલામાં કોઇ અન્ય પક્ષને કોઇ સમય મળનાર નથી. બીજી બાજુ સંભવિત ચુકાદાને લઇને પહેલાથી જ ઉત્તરપ્રદેશમાં રાજકીય ગતિવિધિ અને હલચલ વધી ગઈ છે. અયોધ્યામાં ૧૦મી ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ પોલીસ અને વહીવટી અધિકારીઓની રજા ૩૦મી નવેમ્બર સુધી રદ કરી દીધી છે. સરકારે પોતાના આદેશમાં તમામ અધિકારીઓને પોતાના મુખ્ય ઓફિસમાં પહોંચી જવા માટેની સૂચના આપી છે. રાજ્ય સરકારે આદેશ જારી કરવા અને રજાઓ રદ કરવા માટેનું કારણ તહેવાર આપ્યું છે પરંતુ એમ માનવામાં આવે છે કે, આગામી મહિનામાં અયોધ્યા મામલામાં ચુકાદો આવનાર છે જેથી સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જોરદાર ધાંધલ ધમાલ અને ડ્રામાબાજીની સ્થિતિ સર્જાઈ હતી. એકબાજુ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અયોધ્યા સાથે સંબંધિત નક્શાને ફાડી નાંખ્યો હતો.

                બીજી બાજુ હિન્દુ પક્ષના વકીલ વિકાસસિંહે પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું હતુંકે, આ પુસ્તકમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નક્શાને ફાડી નાંખવામાં આવ્યા બાદ બંને વકીલો વચ્ચે જોરદાર ચર્ચા ચાલી હતી. આને લઇને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પણ નારાજગી વ્યક્ત કરી હતી હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે, અમે અયોધ્યા રિવિઝિટ પુસ્તકને કોર્ટની સમક્ષ રજૂ કરવા ઇચ્છુક છે. કારણ કે આમા રામ મંદિરના પહેલાના અસ્તિત્વનો ઉલ્લેખ છે. બીજી બાજુ મુસ્લિમ વકીલે આની સામે વાંધો ઉઠાવ્યો હતો. અયોધ્યા મામલામાં રામ જન્મભૂમિ ન્યાસ સાથે સંબંધિત રામવિલાસ વેદાંતીએ કહ્યું છે કે, અમે કોઇ કિંમતે રામલલ્લાની જમીનને છોડવા માટે તૈયાર નથી. રામલલ્લાની જીત થઇ ચુકી છે. માત્ર ચુકાદાનો ઇંતજાર છે. અમને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે. જજો ઉપર વિશ્વાસ છે. ભારતના બંધારણ ઉપર વિશ્વાસ છે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિને પણ જોવામાં આવનાર છે. અયોધ્યાની ધરતી ઉપર તેઓ કોઇ મસ્જિદનું નિર્માણ થવા દેશે નહીં.

હાઈકોર્ટના ચુકાદા સામે ૧૪ અરજી થઇ હતી...

૨૦૧૦માં ચુકાદો અપાયો હતો

નવીદિલ્હી, તા. ૧૬ : અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં શ્રેણીબદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કુલ ૧૪ અરજીઓ આ ચુકાદાની સામે દાખલ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા, રામલલ્લા વિરાજમાનની વચ્ચે બરોબરમાં જમીન આપવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાની સામે ૧૪ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મે ૨૦૧૧માં હાઈકોર્ટના ચુકાદા પર બ્રેક મુકવાની સાથે સાથે વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિ જાળવવાનો આદેશ કર્યો હતો. હવે આ ૧૪ અરજી પર સતત સુનાવણી થઇ રહી છે.

(7:52 pm IST)