Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

લિબરાને વૈશ્વિક ધોરણે ઉપયોગમાં લઇ શકાશેઃ ફેસબુક ટૂંક સમયમાં ડિઝીટલ કરન્સી લાવશે

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે થોડા દિવસ અગાઉ પોતાની ડિજિટલ કરન્સી લિબરા લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ફેસબુકનો દાવો છે કે, લિબરાને વૈશ્વિક ધોરણે ઉપયોગમાં લઈ શકાશે, તેનાથી ઈ-કોમર્સને પ્રોત્સાહન મલશે અને જાહેરાતો દ્વારા કમાણીની નવી તક પણ મળશે. ફેસબૂકે ડિજિટલ કરન્સી લિબરા માટે પેપાલ, ઉબર, સ્પોટિફાઈ, વોડાફોન સહિત 28 કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.

ફેસબુકે કરન્સી ગવર્નિંગ બોડી પણ બનાવી

લિબરા લોન્ચ કરવા માટે ફેસબૂક સતત કામ કરી રહ્યું છે. ફેસબુકે તેના માટે કરન્સી ગવર્નિંગ બોડી  અને એક કાઉન્સિલ પણ બનાવી છે. લિબરા માટે 'નોન પ્રોફિટ એસોસિએશન'ના 21 સભ્યોના નામ પર આધાકારિક મંજુરી આપવામાં આવી છે. લિબરા એસોસિએશને જણાવ્યું કે, ડિજિટલ કરન્સી માટે 21 કંપનીઓ ઉપરાંત અન્ય 180 ફર્મ્સ અને કંપનીઓએ પણ રસ દેખાડ્યો છે.

બધી જ માહિતી રહેશે સુરક્ષિત

ફેસબુક અત્યારે માહિતી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ડાટા પ્રાઈવસીના વિવાદોનો સામનો કરી રહેલી ફેસબુક જ્યારે પોતાની અંગત કરન્સી બનાવી રહી છે, જેના કારણે બેન્ક, નેશનલ કરન્સી અને યુઝર્સની પ્રાઈવસી સામે જોખમ ઊભું થઈ શકે છે. જોકે, ફેસબુકે જણાવ્યું કે, તે યુઝરની બેન્કોની ડિટેઈલ અને પેમેન્ટ સંબંધિત તમામ માહિતીઓ સુરક્ષિત રાખશે. ફેસબુકે જણાવ્યું છે કે, તેની આ ડિજિટલ કરન્સી બ્લોકચેઈન ટેક્નોલોજી પર કામ કરશે.

આમ આદમી કરી શકશે ઉપયોગ

ફેસબૂકે જણાવ્યું કે, બ્લોકચેઈન ટેક્નોલોજીને આગામી વર્ષો સુધી સામાન્ય લોકો માટે બહાર પાડી દેવાશે. બ્લોકચેઈનનો ફેસબુકના તમામ પ્લેટફોર્મ મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ઉપયોગ કરી શકાશે. તેમાં યુઝરનો ડાટા સુરક્ષિત રહેશે.

લિબરાના ફાયદા

    ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર નાણાની લેણ-દેણ કરી શકાશે.

    ડિજિટલ વોલેટ એપ દ્વારા ડિજિટલ કરન્સીનું ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી શકાશે.

    ડિજિટલ કરન્સીના ટ્રાન્ઝેક્શન પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે.

    ક્રિપ્ટોકરન્સી તરીકે લોકો લિબરાને ખરીદી અને વેચી શકશે.

    તેને પરંપરાગત કરન્સી જેમ કે ડોલર, રૂપિયો વગેરે સાથે એક્સચેન્જ પણ કરી શકાશે.

ડિજિટલ કરન્સી

ડિજિટલ કરન્સીને જ ક્રિપ્ટોકરન્સી કહે છે. આ રકમને તમે રૂપિયા કે ડોલરની જેમ સ્પર્શ કરી શક્તા નથી. ક્રિપ્ટોકરન્સીને પ્રિન્ટ કરી શકાતી નથી. તે એક આભાસી ચલણ હોય છે, જેને માત્ર અનુભવી શકાય છે, ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ એક સ્વતંત્ર કરન્સી હોય છે, તેના પર કોઈ સરકાર કે બેન્કની માલિકી હોતી નથી.

ભારતમાં પ્રતિબંધ

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રતિબંધ લગાવાયેલો છે. ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધ અને ડિજિટલ મુદ્રા વિધેયક, 2019 અનુસાર દેશમાં ક્રિપ્ટોકરન્સીનું ખરીદ-વેચાણ કરનારાને 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

(4:44 pm IST)