Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દેવેન્દ્ર ફડનવીસ પ્રચંડ બહુમતિ સાથે સત્તા આપવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂચન

મહારાષ્ટ્રમાં મિશન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારમાં વ્યસ્ત : જે રીતે નરેન્દ્રને ફરીવખત બેસાડવામાં આવ્યા છે તે રીતે દેવેન્દ્રને બેસાડવાની અપીલ : એક અને એક બે નહી ૧૧

અકોલા, તા. ૧૬ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અકોલોમાં વિરસાવરકર અને ભારત રત્નનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે વિધાનસભા ચૂંટણી માટે પોતાના મેનીફેસ્ટોમાં વીર સાવરકરને ભારતરત્ન આપવાનું વચન આપ્યું છે. મોદીએ ૩૭૦નો ઉલ્લેખ કરીને વિપક્ષી દળો ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હુતં કે, જે લોકો કહી રહ્યા છે કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં કલમ ૩૭૦ સાથે શુ લેવા દેવા છે તે લોકોને કોઇ વાત સમજાઇ રહી નથી. મોદીએ રેલી દરમિયાન એનસીપી નેતા પ્રફુલ પટેલ અને ગેંગસ્ટર ઇકબાર મિરચી વચ્ચે લેન્ડ ડિલ પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. મુંબઈ હુમલા અને સિંચાઈ કૌભાંડોના મુદ્દા ઉઠાવીને કોંગ્રેસ-એનસીપીની પૂર્વ સરકાર પર પ્રહાર કર્યા હતા. મોદીએ સાવરકર અને આંબેડકરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ વીર સાવરકરના સંસ્કાર છે કે, રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્રનિર્માણના મૂળમાં રાખ્યા છે.

           આ એવા લોકો છે જે લોકોએ બાબા સાહેબ આંબેડકરનું સતત અપમાન કર્યું હતું. તેમને દશકો સુધી ભારત રત્નથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ એવા લોકો છે જે વીર સાવરકરને મોટાભાગે ગાળો આપતા રહે છે. મોદીએ મહારાષ્ટ્રના કોઇ જિલ્લા એવા નથી જ્યાં વીર સૈનિકોએ જમ્મુ કાશ્મીરની શાંતિ માટે પ્રાણોની આહૂતિ આપી નથી તેમ કહીને કહ્યું હતું કે, આજ કારણસર તેઓ કલમ ૩૭૦ પર વાત કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજની જમીન પર તેઓ પહોંચ્યા છે અને લોકોને ખાતરી આપવા માંગે છે કે, દેશ ઉપર કોઇપણ આફત આવી શકે નહીં. મોદીએ એમ પણ કહ્યું હતું કે, અમને મહારાષ્ટ્રના એવા યુવાનો પર ગર્વ છે જે જમ્મુ કાશ્મીર માટે પોતાના સર્વસ્વને બલિદાન કરી ચુક્યા છે. આજે રાજનીતિ સ્વાર્થ અને પોતાના પરિવારમાં ડૂબેલા આ લોકો કહી રહ્યા છે કે, મહારાષ્ટ્રના જમ્મુ કાશ્મીર સાથે શું લેવા દેવા છે. તેઓ હેરાન છે કે, કલમ ૩૭૦નો ઉલ્લેખ કરવાને લઇને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સાથે જમ્મુ કાશ્મીરના કોઇ સંબંધ નથી તેવી વાત થઇ રહી છે. મોદીએ મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. એક સમય એવો હતો કે, જ્યારે મુંબઈમાં વારંવાર બ્લાસ્ટ થતાં હતા. એ વખતે જે બ્લાસ્ટ થયા હતા તેમના માસ્ટરમાઇન્ડ સામે આવ્યા હોવા છતાં બચીને નિકળી જતા હતા પરંતુ હવે આ ગુનેગારો બચીને નિકળી શકે તેમ નથી. દુશ્મન દેશના અગાઉ માસ્ટરમાઇન્ડ આશરો લેતા હતા.

             એનસીપી નેતા પ્રફુલ પટેલ અને ગેંગસ્ટર ઇકબાલ મિરચીની લેન્ડ ડિલ પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રને રક્તરંજિત કરનાર લોકોની સાથે રંગરેલીયા ચાલતી હતી. હવે તેમના કારનામા ખુલી રહ્યા છે જેથી ભયભીત થયેલા છે. આજ કારણસર છેલ્લા કેટલાક દિવસથી સુરક્ષા સંસ્થાઓ અને તપાસ સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ હવે સમય બદલાઈ ચુક્યો છે. દરેક કારનામાનો જવાબ દેશ માંગીનેરહેશે. કલમ ૩૭૦ દૂર થતા અનેકના ચહેરા ઉતરી ગયા છે. મોદીએ અકોલા ઉપરાંત પનવેલમાં પણ સભા કરી હતી અને કહ્યું હતું કે, દિલ્હીમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસની જોડી સુપરહિટ છે. જે રીતે નરેન્દ્રને ફરી બેસાડી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ દેવેન્દ્ર એવી જ તાકાત સાથે બેસાડવાની જરૂર છે. ફડનવીસની દાવેદારીનું સમર્થન કરતા મોદીએ કહ્યું હતું કે, આવનાર વર્ષોમાં મહારાષ્ટ્રના વિકાસને નવી ઉંચાઈ પર લઇ જવામાં આવશે. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, દેવેન્દ્ર અને નરેન્દ્ર જ્યારે ઉભા થાય છે ત્યારે વન પ્લસ વન ટુ નહીં પરંતુ દેવેન્દ્ર અને નરેન્દ્ર જ્યારે ઉભા થાય છે ત્યારે ૧૧ થાય છે.

(8:01 pm IST)