Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ચીનનો મુસ્લિમો ઉપર સતત અત્યાચારઃ કબ્રસ્તાનો તોડવા માંડયા

બેઇજિંગઃ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા યીગુર મુસ્લિમો પર ચીન સતત અત્યાચાર કરી રહ્યુ છે.

ચીને પહેલા જ મોટી સંખ્યામાં યીગુર મુસ્લિમોને ડિટેન્શન કેમ્પોમાં રાખ્યા છે. તેમને દાઢી વધારવા પર કે ધાર્મિક કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. હવે નવા અહેવાલો પ્રમાણે ચીને મુસ્લિમોના કબ્રસ્તાન તોડી પાડવાનુ શરુ કર્યુ છે. તેમની સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવા માટે કબ્રસ્તાનની જગ્યાએ પાર્કિંગ અને રમતના મેદાનો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જે કેટલીક સેટેલાઈટ તસવીરો સામે આવી છે. જે આ વાતનો પૂરાવો આપ્યો છે.

સંયુકત રાષ્ટ્રને મળેલી જાણકારી પ્રમાણે હાલમાં ૧૦ લાખ મુસ્લિમો કેમ્પોમાં છે. જેમને ચીન પોતાનો દ્રષ્ટિકોણ બદલવા માટે શિક્ષણ આપી રહ્યુ છે. જોકે ચીન આ આરોપને નકારી રહ્યુ છે.

ચીનના આ પ્રાંતમાં મીડિયા પર પ્રતિબંધ છે.અહીંયા કોઈ મીડિયાને જવાની પરવાનગી નથી પણ બીબીસીનો દાવો છે કે, આ પ્રાંતમાં જઈને ત્યાંની સ્થિતિ નિહાળી છે.તેના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, શિનજિયાંગમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે અને મોટી સંખ્યામાં ડિટેન્શન કેમ્પો ઉભા કરાયા છે.પોલીસ શંકાના આધારે લોકોના ફોનની પણ તપાસ કરતી હોય છે.

યીગુર મુસ્લિમો પૂર્વ અને મધ્ય એશિયામાં રહેનાર તુર્ક જાતિ સાથે સંકળાયેલા છે. ચીનમાં તેમની વસતી એક કરોડથી વધારે છે.તેમને ચીનની ૫૫ લદ્યુમતીઓ પૈકી એક ગણવામાં આવે છે.તેમને માત્ર શિનજિયાંગ ક્ષેત્રના મૂળ રહેવાસી તરીકે જ માન્યતા અપાઈ છે. યીગુર મુસ્લિમોએ મોટાભાગે ૧૦મી સદીથી લઈને ૧૬મી સદી દરમિયાન ઈસ્લામ ધર્મ અપનાવ્યો હોવાનુ મનાય છે.

(4:06 pm IST)