Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જિઓ બાદ એરટેલ પણ ટેરિફ વધારીને ઝટકો આપશે

વર્તમાન રેટ વ્યવહારૂ નથીઃ એરટેલના એમડી અને સીઇઓ ગોપાલ વિઠ્ઠલનો નિર્દેશ

નવી દિલ્હી તા. ૧૬: રિલાયન્સ જિઓ બાદ હવે એરટેલ પણ પોતાના ગ્રાહકોને ટેરિફ વધારીને ઝટકો આપી શકે છે. ટેલિકોમ કંપની ભારતી એરટેલના ભારત અને દક્ષિણ એશિયાના સીઇઓએ આ સંદર્ભમાં એક મોટું નિવેદન કર્યું છે. એરટેલના એમડી અને સીઇઓ ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું છે કે મોબાઇલ સેવાના વર્તમાન રેટ ટેલિકોમ ઉદ્યોગ માટે વ્યવહારૂ રહ્યા નથી અને તેથી તેને વધારવાની જરૂર છે.

ગોપાલ વિઠ્ઠલે રિલાયન્સ જિઓના વોઇસ કોલ માટે પ્રતિમિનિટ છ પૈસાનો ચાર્જ વસૂલવાના પગલા પર ટીકા કરતાં જણાવ્યું હતું કે ઇન્ટર કનેકશન યુસેજ ચાર્જ (આઇયુસી) ટેરિફનો ભાગ નથી, પરંતુ તે કોલને એક નેટવર્કથી બીજા નેટવર્ક પર મોકલવાનો (ટ્રાન્સમિશન) ખર્ચ છે કે જેનો વ્યવહાર ટેલિકોમ કંપનીઓની વચ્ચે અંદરોઅંદર થાય છે.

જયારે જિઓનું કહેવું છે કે તે ગ્રાહકો પાસે વસૂલવામાં આવનાર આઇયુસી ચાર્જને એડ્જસ્ટ કરવા તેમને એટલી જ કિંમતનો ફ્રી ડેટા આપશે. વિઠ્ઠલે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ખાતે અલગથી જણાવ્યું હતું કે અમારૃં માનવું છે કે મોબાઇલ સેવાના વર્તમાન દર વહન કરી શકાય તેવા નથી અને તેથી તેને વધારવાની જરૂર છે. અમે મોબાઇલ દર વધારવાની તરફેણમાં છીએ. આમ, હવે એરટેલ પણ પોતાના ટેરિફ વધારીને ગ્રાહકોને વધુ એક ઝટકો આપી શકે છે.

(3:39 pm IST)