Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બેંકોમાં રેકી કરી રોકડ ઝૂંટવતી આંતરરાજ્ય 'ભાતુ ગેંગ' ઝડપાઇ

ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ૯૦ જેટલી ચિલઝડપ કરીઃ રાજકોટનો જાગનાથ પ્લોટનો ગુનો ઉકેલાયોઃ ક્રાઇમ બ્રાંચની કામગીરી : યુ.પી.ના પાંચ શખ્સો અમિત ભાતુ, શ્રવણ ઉર્ફ ઘોટા ભાતુ, અખિલેશ ભાતુ, જીતેન્દ્ર ભાટુ અને રાજેશ્વરપ્રસાદ ભાતુને ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડી લેવાયાઃ રોકડા રૂ. ૧,૦૦,૫૦૦ તથા બે પલ્સર બાઇક, બે મોબાઇલ અને બે હેલ્મેટ કબ્જેઃ જુદા-જુદા રાજ્યના ૨૩ ગુના કબુલ્યાઃ જ્યાંગુનો કરવો હોય તેની આસપાસના ધાર્મિક સ્થળોએ રોકાતા અને બાદમાં કામ ઉતારી ભાગી જતા : એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ઉનડકટની ટીમના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા અને હિરેન સોલંકીની બાતમી પરથી સફળતા : હેલ્મેટ પહેરીને જ ચિલઝડપ કરતા

માહિતી આપી રહેલા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ તથા પાછળ ટીમ અને બાજુમાં ઝડપાયેલા પાંચ ચિલઝડપકારો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, યુ.પી., ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં બેંકોમાં રેકી કરી રોકડ લઇને બહાર નીકળતાં લોકો પાસેથી રોકડની ચિલઝડપ કરી ભાગી જતી યુ.પી.ની આંતરરાજ્ય 'ભાતુ ગેંગ'ને ક્રાઇમ બ્રાંચના એએઅસાઇ બલભદ્રસિંહ જે. જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા અને કોન્સ. હિરેનભાઇ સોલંકીની ચોક્કસ બાતમી પરથી ઝડપી લેવામાં સફળતા મળી છે. જુદા-જુદા રાજ્યોમાં આ ટોળકીએ ૯૦થી વધુ ચિલઝડપો કરી છે. પણ હાલ ૨૩ ગુનાની માહિતી સામે આવી છે. જેમાં જાગનાથ પ્લોટનો ચિલઝડપનો એક ગુનો પણ ઉકેલાયો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી આ પાંચ શખ્સોને પકડી લેવાયા હતાં.

જેને દબોચવામાં આવ્યા છે તેમાં અમિત પ્રદિપ ભાતુ (ઠાકુર) (ઉ.૩૨), શ્રવણકુમાર ઉર્ફ ઘોટા શંકરસિંગ ભાતુ (ઉ.૪૨), અખિલેશ સુખરામ ભાતુ (ઉ.૩૭), જીતેન્દ્ર સતિષ ભાતુ (ઉ.૨૬) તથા રાજેશ્વરપ્રસાદ જ્યોતિપ્રસાદ ભાતુ (ઉ.૪૦) (રહે. તમામ-રહે. રાજકીય આદર્શ કોલોની શિવ મંદિર પાછળ ૨૩- બટાલીયાન મુરાદાબાદ ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી રૂ. ૧,૦૦,૫૦૦ રોકડા, પલ્સર બાઇક નં. એમએચ૦૧સીએફ-૬૬૧૫, એમએચ૦૨બીસી-૬૭૭૯ તથા બે સાદા મોબાઇલ ફોન અને બે હેલ્મેટ કબ્જે કરાયા છે.

આ ટોળકી સમયાંતરે જુદા-જુદા રાજ્યોમાં કાર્યક્ષેત્ર બદલતી રહે છે. જ્યાં ચિલઝડપ કરવાની હોઇ તે શહેરની આજુબાજુના ધાર્મિક સ્થળે મુસાફર તરીકે રોકાઇ જતાં અને બાદમાં સવારે પલ્સર બાઇક લઇને બેંકોની આસપાસ, બેંકની અંદર રેકી કરી લેતાં. ખાસ કરીને વૃધ્ધો કે મહિલાઓ રોકડ ઉપાડીને નીકળે એટલે ફોન કરી સાગ્રીતને જાણ કરી દેતાં અને રોકડની ચિલઝડપ કરી ભાગી જતાં હતાં. રોકડનો મેળ ન પડે તો ઘણી વખત જે તે વ્યકિતએ પહેરેલા સોનાના ચેઇન પણ ખેંચી લેતાં હતાં.

આ શખ્સોએ હાલ ૨૩ ગુના કબુલ્યા છે જેમાં એક માસ પહેલા વડોદરામાં ૨૫ હજારની ચિલઝડપ, ૨૧/૯ના વડોદરામાં ૬૪ હજારની, ૨૩/૯ના ચોટીલા રોકાઇ ત્યાંથી બીજા દિવસે રાજકોટ આવી જાગનાથ પ્લોટમાં એક વૃધધાના ખભા પરથી રૂ. ૧ાા લાખની રોકડના થેલાની ઝોંટ, ૨૫/૯ના ગોધરામાં ૫૦ હજારની ચિલઝડપ, એ પછી વડોદરામાં ચેઇનની ચિલઝડપ, મહારાષ્ટ્રમાં ૧ લાખની, શ્રીરામપુર ખાતે ૬૦ હજારની, શીરડી નજીક ચેઇનની ચિલઝડપ, મુંબઇમાં મહિલાના ગળામાંથી ચેઇનની ઝોંટ, મુંબઇ લાલબત્તી ચોકમાંથી ચેઇનની ઝોંટ, છ માસ અગાઉ પંજાબના તંડામાં ડેકી તોડી ૬૫ હજારની ચોરી, પંજાબના ફગવાડામાં ૭૫ હજારની ચિલઝડપ, પંજાબના બટાલામાંથી ૧ ગાડીની ડેકી તોડી ૧ લાખની ચિલઝડપ, મુરાદાબાદમાં ૧૫ હજારની, ચંદીગઢમાં ૫૦ હજારની, પંજાબના જીરાકપુરમાં ૭૦ હજારની, નજીરાબાદના શિવારામાં ૨૦ હજારની, પોરબંદરમાં ૧ાા લાખની, ડાકોરમાં ૧ લાખની, પંજાબ લુધીયાણામાં ૪ાા લાખની, લુધીયાણામાં પંજાબ નેશનલ બેંક પાસેથી ૧૦ લાખની રોકડના થેલાની ઝોંટ, મોરબીમાં ૧.૨૦ લાખની રોકડની ઝોંટ, જામનગરમામં ૪ાા લાખની ઝોંટ સહિતના ગુનાની કબુલાત આપી છે.

ટોળકીનો અમિત અગાઉ યુપીમાં દારૂના, પંજાબમાં ચોરીના ગુનામાં, શ્રવણ યુપીમાં દારૂના, અખિલેશ યુપીમાં દારૂ અને પંજાબમાં ચોરી, રાજેન્દ્રપ્રસાદ યુપીના હાપલમાં તથા હરિદ્વાર રૂડકીમાં ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ ટોળકી જે તે શહેરમાં કામ પતાવી પોતાના બાઇક રેલ્વે સ્ટેશનોમાં મુકી ટ્રેન મારફત પોતાના વતન અથવા બીજા રાજ્ય કે શહેરમાં નીકળી જતાં હતાં. ત્યાં જઇ બીજા ગુના આચરતા હતાં. હેલ્મેટ પહેરીને જ ચિલઝડપ કરતાં હતાં. આ ટોળકી કુલ ૧૫ સભ્યોની છે. જો કે અલગ-અલગ સ્થળે પાંચ કે છ જણાની ટોળકી ગુના આચરવા જાય છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, કોન્સ. એભલભાઇ બરાલીયા, નગીનભાઇ ડાંગર, સંજય રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, મનજીભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પરેશગીરી ગોસ્વામી સહિતનાએ આ કામગીરી કરી હતી.

(3:17 pm IST)