Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઓટોક્ષેત્રે ચીનમાં સતત ૧૫મા મહિને વેચાણમાં ઘટાડોઃ મંદીની અસર નડી ગઇ

અમેરીકા સાથેનું ટ્રેડવોર ભારે પડી રહયું છેઃ મોટો આર્થિક ફટકો

નવી દિલ્હીઃ ઓટો વેચાણમાં ઘટાડો ભારતમાં જ થઇ રહયો છે. એવુ નથી. ચીનનો ઓટો ઉદ્યોગ પણ હાલમાં મંદીનો સામનો કરી રહયો છે. સપ્ટેમ્બરમાં ચીનમાં ઓટો વેચાણમાં વાર્ષિક ધોરણે ૫.૨૦ ટકા ઘટાડો  નોંધાયો છે. સપ્ટેમ્બરમાં સતત ૧૫માં મહિને આ ઘટાડો જોવાયો છે. 

છેલ્લા ૬ મહિનામાં સુધારો થવાની ચીનની આશા પર આ દ્યટાડાથી પાણી ફરી વળ્યું છે. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ચીનમાં ઓટો વેચાણ આંક ૫.૨૦ ટકા દ્યટી ૨૨.૭૦ લાખ વાહનો રહ્યો છે, એમ ચીન એસોસિએશન્સ ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સે જણાવ્યું હતું.

ઓગસ્ટમાં તથા જુલાઈમાં વેચાણ આંકમાં દ્યટાડો અનુક્રમે ૬.૯૦ ટકા અને ૪.૩૦ ટકા રહ્યો હતો. અમેરિકા સાથેના વેપાર યુદ્ઘ તથા મંદ પડી રહેલા અર્થતંત્રને પગલે ચીનમાં ૧૯૯૦ના દાયકા બાદ ૨૦૧૮માં પ્રથમ વખત વાર્ષિક ધોરણે દ્યટાડો જોવાયો હતો.

સામાન્ય રીતે ચીનમાં ઓટોના વેપાર માટે સપ્ટેમ્બર તથા ઓકટોબર મહિનાને ગોલ્ડન સપ્ટેમ્બર, સિલ્વર ઓકટોબર તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળાની મોસમ બાદ ગ્રાહકો આ બે મહિનામાં વાહનોની ખરીદી કરવા નીકળી પડતા હોવાથી આ બે મહિના ચીનના ઓટો ઉદ્યોગ માટે વ્યસ્ત મોસમ ગણવામાં આવે છે .

(1:03 pm IST)