Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આસારામને ધ્યાનમાં રાખી સીનીયર સીટીઝનોની સજામાં રાહત માગતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

જોધપુર : સગીર બાળાના યૌન શોષણના આરોપમાં આજીવન કરાવાસની સજા ભોગવી રહેલા આસારામને કેન્દ્રમાં રાખીને જેલોમાં બંધ કેદીઓના માનવ અધિકારના રક્ષણ, પોષક ભોજન અને તબીબી તથા અન્ય સહાયની માંગણી કરાતી જાહેર હિતની અરજીને રાજસ્થાન હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં સીતેર વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝનોની તંદુરસ્તી સામે જોઇને તેમની સજાને રદ કરવા માર્ગદર્શિકા બહાર પાડવાની માંગણી પણ કરાઇ હતી.

મુખ્ય ન્યાયધીશ ઇન્દ્રજીત મહંતી અને સીનીયર જસ્ટીસ સંગીત લોઢાની ખંડપીઠમાં એડવોકેટ જોગીંદર તુલીની અરજીપર  સુનાવણી દરમ્યાન વિશેષ મુખ્ય પબ્લીક પ્રોસીકયુટર કરણસિંહ રાજપુરોહિતે  કોર્ટને જણાવ્યું  કે  જાહેરહિતની અરજીની આડ લઇને કોઇ ખાસ વ્યકિતના હિતની આ અરજી છે. કોર્ટે જોયું કે જાહેર હિતની અરજીમાં કેદીઓ સાથે સંકળાયેલા બુનિયાદી અધિકારોની રક્ષાના મુદ્દાઓ ઉઠાવાયા  હતા, પણ ઉદાહરણ તરીકે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા.

(11:30 am IST)