Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આર્થિક મોરચે મોદી સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસે મનમોહનને મેદાનમાં ઉતાર્યા

મહારાષ્ટ્ર અને હરીયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચંદ્રયાન અને કલમ ૩૭૦ જેવા વિષયોને ઉછાળતા કોંગ્રેસે રોજગારી અને આર્થિક સ્થિતિનો મુદ્દો ચગાવવાનો નિર્ણય લીધોઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કાલે મનમોહનની સભા-પત્રકાર પરિષદઃ ટોચના લોકોને મળશેઃ અર્થતંત્ર અંગે પોતાની વાત જણાવશેઃ આર્થિક મોરચે લોકોનું ધ્યાન ભટકાવવા ભાજપ કલમ ૩૭૦નો ઉપયોગ કરે છેઃ કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હી, તા. ૧૬ :. મહારાષ્ટ્ર અને હરીયાણામાં વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપ ૩૭૦ની કલમને મુખ્ય મુદ્દો બનાવી રહી છે તો કોંગ્રેસે અર્થતંત્રના મોરચે મોદી સરકારને નિષ્ફળ ગણાવી લોકોનું સમર્થન માંગવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો મોદી સરકારને આર્થિક મોરચે ભીંસમાં લઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સભાઓમાં ઈકોનોમીનો સવાલ ઉઠાવી રહ્યા છે અને તેઓ જનતાને એવુ પણ કહી રહ્યા છે કે રોજગારી અને આર્થિક સ્થિતિથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ અને મોદી સરકાર ચંદ્રયાન, કલમ ૩૭૦ જેવા વિષયોને આગળ કરી રહ્યા છે.

કોંગ્રેસે હવે મોદી સરકારને ભીંસમાં લેવા માટે અને સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે પૂર્વ વડાપ્રધાન તથા અર્થશાસ્ત્રી મનમોહન સિંઘને આગળ કરવાનો નિર્ણય કર્યો છે. મનમોહન સિંઘ આવતીકાલે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરશે. આ કાર્યક્રમ વાનખેડે સ્ટેડીયમના ગરવારે કલબમાં યોજાયો છે. પૂર્વ વડાપ્રધાન એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે અને રાજ્યની ટોચની હસ્તીઓને પણ મળશે. બધા ક્ષેત્રોના મહત્વના લોકોને મનમોહન સિંઘ સાથે મુલાકાત કરવા આમંત્રીત કરાયા છે.

કોંગ્રેસ સહિત બધા વિપક્ષો મોદી સરકારને આર્થિક મોરચે ઘેરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સરકારની નિતીઓની ટીકા કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ભારતની અર્થવ્યવસ્થા સતત નકારાત્મક પ્રભાવ બતાડી રહી છે. વિશ્વની મોટી મોટી એજન્સીઓ ઈકોનોમીને લઈને સકારાત્મક સંદેશ નથી આપતી. બીજી તરફ નોકરીઓનું સંકટ પણ જોવા મળી રહ્યુ છે તેથી ૩ તલાક અને ૩૭૦ જેવા મુદ્દા પર આક્રમક નજર આવતા ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ અને વિપક્ષ આર્થિક મોરચે ભાજપની બોલતી બંધ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ કડીમાં જ મનમોહન સિંઘનો કાર્યક્રમ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં રાખવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર અને હરીયાણામાં ૨૧ ઓકટોબરે વિધાનસભાની ચૂંટણી માટે વોટીંગ થવાનુ છે અને ૨૪ ઓકટોબરે મત ગણતરી થવાની છે.

કોંગ્રેસે આર્થિક મોરચે સરકારની નિતીઓ વિરૂદ્ધ એક વિશ્વસનીય અવાજના સ્વરૂપમાં મનમોહન સિંઘને આગળ કરવાનો નિર્ણય લીધો છે.

(11:15 am IST)