Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આજે અયોધ્યા કેસની સુનાવણીનો અંતિમ દિવસ

ચારેય પક્ષકારોને દલીલ કરવા ૪પ-૪પ મિનિટ મળશેઃ જવાબ માટે મુસ્લિમ પક્ષને ૧ કલાક મળશે

નવી દિલ્હી, તા.૧૬: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના ભૂમિ વિવાદ મામલામાં હવે ચુકાદાનો સમય નજીક આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ એ સુનાવણી પૂરી થવાની આશા વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, બુધવારે અયોધ્યા વિવાદ મામલામાં તેઓ સુનાવણી પૂરી કરવાનો પ્રયાસ કરશે. તેના માટે તેઓએ બંને પક્ષોને દલીલો રજૂ કરવા માટે કહ્યું છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ૩૯ દિવસોથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી કરી રહી છે. આ પહેલા ૧૮ ઓકટોબરને દલીલો રજૂ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી હતી. પરંતુ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મંગળવારે સંકેત આપ્યા છે કે ગુરુવારને બદલે બુધવારે સુનાવણી પૂરી કરવાનો પ્રયાસ કરશે.

મંગળવારે સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલ સી.એસ. વૈધનાથનને કહ્યું કે, બુધવારે ૪૫ મિનિટ સુધી રજૂઆત કરી શકે છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પૂછ્યું કે, શું મોલ્ડિંગ આઙ્ખફ રિલીઝ ઉપર પણ બુધવારે જ ચર્ચા થશે? તો કોર્ટે કહ્યું કે, બુધવારે એક કલાક મુસ્લિમ પક્ષકાર જવાબ આપશે. ચાર પક્ષકારોને ૪૫-૪૫ મિનિટ મળશે. મોલ્ડિંગ ઓફ રિલીઝ ઉપર પણ આજે જ સુનાવણી થઈ શકે છે. મંગળવારે સુનાવણી દરમિયાન એક હિન્દુ પક્ષે દલીલ કરી કે ભારત વિજય બાદ મુગલ શાસક બાબર દ્વારા લગભગ ૪૩૩ વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થળે મસ્જિદ નિર્માણ કરી 'ઐતિહાસિક ભૂલ' કરવામાં આવી હતી અને હવે તેને સુધારવાની આવશ્યકતા છે.

અગાઉ મુસ્લિમ પક્ષકારો તરફથી સીનિયર વકીલ રાજીવ ધવને સોમવારે આરોપ લગાવ્યો હતો કે સવાલ માત્ર તેમને જ પૂછવામાં આવે છે અને હિન્દુ પક્ષને સવાલ નથી કરવામાં આવતા. બંધારણીય બેન્ચે અયોધ્યા વિવાદમાં અલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર ૨૦૧૦ના ચુકાદાની વિરુદ્ઘ દાખલ અપીલો પર મંગળવારે ૩૯માં દિવસે પણ સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં આ વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચતાં જ અયોધ્યામાં પણ ગતિવિધિઓ વધી ગઈ છે. અયોધ્યા જિલ્લામાં ૧૦ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સંતોનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. અયોધ્યામાં કોઈ પ્રકારની સ્થિતિ ન બગડે તેના માટે સુરક્ષા દળો પણ તહેનાત છે.

(11:14 am IST)