Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કયા છે મંદી? ગુરૂગ્રામમાં માત્ર ૧ દિવસમાં જ ૧.૨૫ કરોડની કિંમતના ૭૦૦ કરોડના ફલેટ વેંચાયા

DLFએ પ૦૪ ફલેટ બનાવ્યાઃ ૩૭૬ વેચાઇ ગયા

ગુરૂગ્રામ, તા.૧૬: હાલ દેશમાં જયાં જુઓ ત્યાં મંદીની વાતો ચાલી રહી છે. દરેક લોકો પોતપોતાની રીતે મંદી હોવાના કારણો જણાવી રહ્યા છે. મંદી વિશેની લાંબી-લાંબી ચર્ચાઓ થઈ રહી છે. પણ, આ શહેરમાં એક કંપનીએ બે દિવસ પહેલા જ રૂપિયા ૭૦૦ કરોડના રેડી ટૂ મૂવ ફલેટ વેચીને મંદીના સમાચારને ફટકો આપ્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રિયલ્ટી કંપની ડીએલએફએ તેમના આ પ્રોજેકટમાં આશરે ૫૦૪ ફલેટ બનાવ્યા હતા. બે દિવસ પહેલા કંપનીએ ગુરુગ્રામમાં ફલેટ વેચવાનું શરૂ કર્યું હતું. સવારે ફલેટ વેચવાનું શરૂ કર્યું તો સાંજ સુધીમાં ૩૭૬ ફલેટ વેચાઈ ચૂકયા હતા. અહીં દરેક ફલેટની કિંમત રૂપિયા ૧ કરોડ ૨૫ લાખની આસપાસ છે. આ તમામ ફ્લેટ્સ લગ્ઝરી ફલેટ હોવાનું જાણવા મળ્યું છે. અને કંપનીની આ યોજના આશરે ૨૨ એકરમાં ફેલાયેલી છે.

આ વ્યવસાય સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ બજારમાં લોકો બ્રાન્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામ શહેર હરિયાણામાં આવેલું છે. અને જે લોકો ફલેટ ખરીદી રહ્યા છે તેઓ આ ફલેટમાં રહેવા માગે છે, તેનું વેચાણ કરવા નથી માગતા.

(10:08 am IST)