Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નિકાસ ર.૧૫ ટકા ઘટીઃ આયાતમાં ૧૦.૪૫%નો વધારોઃ વેપાર ખાધ પ માસના તળીયે

ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૨.૮ ટકા રહે તેવા એંધાણ

નવી દિલ્હી તા.૧૬: નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં ભારતની વેપારખાધ સપ્ટેમ્બરમાં ઘટીને પાંચ મહિનાના નીચા સ્તરે આવી હતી. તેનાથી ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની ચિંતામાં થોડી રાહત મળી છે. આયાત અને નિકાસ વચ્ચેના તફાવત અથવા વેપારખાધ સપ્ટેમ્બરમાં ઘટીને ૧૩.૯૮ અબજ ડોલર રહી હતી, જે ઓગષ્ટમાં ૧૭.૩૯ અબજ ડોલર હતી. આયાતમાં ધીમી વૃદ્ધિથી વેપારખાધ ઘટી છે.

સપ્ટેમ્બરમાં દેશની નિકાસ ૨૭.૯૫ અબજ ડોલર રહી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ર.૧૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. સપ્ટેમ્બર દરમિયાન આયાત ૧૦.૪૫ ટકા વધીને ૪૧.૯ અબજ ડોલર થઇ હતી. આયાતમાં પાંચ મહિનામાં આ સોૈથી નીચો વૃદ્ધિદર છે.

ઇકરાના ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ''આ ઘટાડો વત્તા સરકારે બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાતમાં ઘટાડો કરવાનાં લીધેલાં પગલાંને કારણે વેપારખાધ ઘટીને ઓકટોબર ૨૦૧૮માં ૧૭.પ અબજ ડોલર થઇ શકે છે.''

ભારતની ચાલુ ખાતાની ખાધ આ વર્ષે જીડીપીના ર.૮ ટકા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૧.૯ ટકા છે. ચાલુ ખાતાની ખાધમાં વધારાની ચિંતા અને અમેરિકામાં વ્યાજદરમાં વધારાને કારણે ડોલર સામે ભારતનો રૂપિયો તીવ્ર ઘટયો છે. નબળા રૂપિયાથી નિકાસ કરવામાં મદદ મળશે.સરકારે બિનઆવશ્યક ચીજ વસ્તુઓની આયાતને અંકુશમાં લેવા માટે કેટલીક પ્રોડકટ્સને ડયૂટીમાં વધારો કર્યો છે.

વાર્ષિક ધોરણે નિકાસમાં ઘટાડાનું કારણ ઊંચી બેઝ ઇફેકટ છે. માસિક ધોરણે સપ્ટેમ્બરમાં ભારતની નિકાસ ઓગષ્ટની ૨૭.૮૪ અબજ ડોલર કરતાં વધુ રહી હતી.(૧.૧૯)

(3:50 pm IST)