Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ખેડૂતોને પડતા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં ૧૫ દિવસમાં બીજી વખત વધારો

ડીએપીના ખાતરના ભાવમાં એક થેલી દીઠ રૂ. ૬૦ અને એએસપીના ખાતરમાં રૂ. ૨૫નો વધારો

નવી દિલ્હી તા. ૧૬ : આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ ઝોનમાં વરસાદની ઘટ રહી છે. અનેક જગ્યાએથી પાક બળી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો પોતાના ગામ કે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનો કરી રહ્યા છે. આ બધા સમાચાર વચ્ચે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ૧૫ દિવસમાં ફરી એક વખત રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થયો છે.

મંગળવારથી સરકારે ખેડૂતો પર વધુ બોજ આપ્યો છે. આજથી ડીએપી અને એએસપીના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપીના ખાતરના ભાવમાં એક થેલી દીઠ રૂ. ૬૦નો વધારો કરવામાં આવ્યો છે જયારે એએસપીના ખાતરના ભાવમાં રૂ. ૨૫નો વધારો કરવામાં આવ્યો છે.

પહેલા ડીએપી રૂ. ૧૩૬૦ના ભાવે મળી રહ્યું છે, જે આજથી રૂ. ૧૪૦૦ના ભાવે મળશે. એએસપી રૂ. ૧૦૧૫માં મળી રહ્યું હતું, ભાવ વધારા બાદ નવી કિંમત ૧૦૪૦ થશે. નોંધનીય છે કે આજથી પંદર દિવસ પહેલા જ એનપીકે અને ડીએપીના ખાતરના ભાવમાં વધારો થયો હતો. હવે ફરીથી ખેડૂતો પર સરકારે નવો બોઝ નાખ્યો છે.

ઇફકો કંપનીના ભાવ વધારા બાદ હવે સરદાર કંપનીએ પણ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ચોમાસું પાક પછી રવિ પાકની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાતરના ભાવમાં વધારે ઝીંકવામાં આવતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી છે.(૨૧.૩૧)

 

(3:29 pm IST)