Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

M Phil અને Phdના નિયમો બદલવાની તૈયારી

M Phil અને Phd માં એડમીશન માટે ઇન્ટરવ્યુ પર નહીં રહેવું પડે નિર્ભર

નવી દિલ્હી તા. ૧૬: હવે યુનિવર્સિટીઓમાં એમ ફીલ અને પીએચડી કોર્સમાં એડમીશન લેવા માટે વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ પેનલની દયા પર આધારીત નહીં રહેવું પડે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય યુ.જી.સી.ના ર૦૧૬ના એક નિયમમાં ફેરફાર કરનાર છે. એક રીપોર્ટ અનુસાર, સરકાર ઉપરોકત ડીગ્રીઓ માટેના મીનીમમ કવોલીફીકેશન અને પ્રક્રિયાના નિયમ ર૦૧૮માં બીજો ફેરફાર કરવાની છે. આ નિયમ હેઠળ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીને ૭૦ ટકા માર્ક મળશે. જયારે બાકીના ૩૦ ટકા માર્ક ઇન્ટરવ્યુમાંથી મળશે. હાલમાં લેખીત પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થી ઇન્ટરવ્યુ માટે લાયક બને છે. પછી ઇન્ટરવ્યુ દ્વારા જ વિદ્યાર્થીને એમ ફીલ અને પીએચડીમાં એડમીશન મળે છે.

સુત્રોનું કહેવું છે કે માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે આ સુધારાને મંજુરી આપી દીધી છે અને તે આ અઠવાડીયે બહાર પડશે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હવે એમ ફીલ અને પીએચડીની પ્રવેશ પરીક્ષામાં લેખીત પરિક્ષાના ૭૦ ટકા જયારે ઇન્ટરવ્યુના ફકત ૩૦ ટકા જ વિદ્યાર્થીઓને મળશે. બધી યુનિવર્સિટીઓને આ અંગે જાણ કરી દેવામાં આવશે. (૭.૧૮)

(11:40 am IST)