Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

બેગમાંથી મળી આવ્યો મૃતદેહ

મુંબઇમાં તરૂણ વયની રાજસ્થાની મોડેલની હત્યા : સાથે રહેતા હૈદરાબાદી મિત્રની ધરપકડ

મુંબઈ તા. ૧૬ : એક તરૂણીનો મૃતદેહ ગઈ કાલે અહીં મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક બેગમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતીનું નામ માનસી દીક્ષિત હોવાનું, તે રાજસ્થાનની રહેવાસી અને ૨૦ વર્ષીય મોડેલ હોવાનું જાણવા મળ્યું છે.

મલાડમાં માઈન્ડ સ્પેસ કંપનીની ઓફિસ પાસે સોમવારે સાંજે એક લાવારીસ બેગ મળી આવી હતી. પોલીસને તરત જાણ કરાઈ હતી અને તપાસ કરતાં એમાંથી તરુણીનો મૃતદેહ મળી આવ્યો હતો.

અહેવાલ અનુસાર, પોલીસે આ હત્યાના સંબંધમાં મુઝમ્મીલ ઈબ્રાહિમ નામના ૨૦ વર્ષના એક છોકરાની ધરપકડ કરી છે. કેસમાં પોલીસ તપાસ હજી ચાલુ છે.

મુઝમ્મીલ મૂળ હૈદરાબાદનો છે. તે અને માનસી અંધેરીમાં સાથે રહેતાં હતાં. સોમવારે બપોરે બંને વચ્ચે મોટો ઝગડો થયો હતો. ગુસ્સામાં આવીને મુઝમ્મીલે માનસીનાં માથા પર પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ગળું દબાવીને એને મારી નાખી હતી. ઘરમાં પડેલી એક બેગમાં માનસીનો મૃતદેહ પેક કરીને તે ટેકસીમાં બેસીને મલાડ ગયો હતો. ત્યાં એક જગ્યાએ બેગ ફેંકીને એ પલાયન થઈ ગયો હતો.

સીસીટીવી ફુટેજ તથા અન્ય માહિતીના આધારે પોલીસે મૃતક તરૂણીની ઓળખ મેળવી હતી અને અંધેરીમાંથી મુઝમ્મીલની ધરપકડ કરી હતી.(૨૧.૬)

(10:06 am IST)