Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

શાઓમી હવે તમને લોન પણ આપશે

શાઓમી ભારતમાં ધીરે-ધીરે વધારી રહી છે બિઝનેસ

નવી દિલ્હી તા. ૧૬ : ભારતમાં ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમીના અચાનક ઉદયથી આ સેકટરના અન્ય દિગ્ગજોની ચિંતાઓ વધી છે. કંપની હવે ધીરે-ધીરે ભારતમાં પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહી છે. શાઓમીએ સ્માર્ટફોન બાદ ટીવીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને હવે નાણાંકીય સેવા શરૂ કરવાની તૈયારીમાં છે.

શાઓમીની યોજના કન્ઝૂમર ફાઈનાન્સ અને બિઝનેસ-ટુ-બિઝનેસ લેન્ડિંગ માર્કેટમાં ઉતરવાની છે. તેના તાજેતરના રેગ્યુલેટરી ખુલાસા મુજબ હવે તે એક નોન-બેકિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) શરૂ કરવાની તૈયારીમાં છે. નવી કંપની શાઓમી ફાઈનાન્શિયલ સર્વિસ ઈન્ડિયા NBFC તરીકે કામ કરવા માટે ટૂંક સમયમાં જ આરબીઆઈ પાસેથી મંજૂરી માગશે.

શાઓમી ફાઈનાન્શિયલ સર્વિસની યોજના ઉપભોકતાઓને ઈલેકટ્રોનિકસ, હોમ અપ્લાયન્સિસ, લાઈફટાઈમ પ્રોડકટ્સ, વ્હીકલ્સ, ફર્નિચર્સ, ઓફિસનો માલ-સામાન વગેરે ખરીદવા માટે લોન ઉપલબ્ધ કરાવવાની છે. તે ઉપરાંત તે ફર્મ્સ, કોર્પોરેટ જેવી સંસ્થાઓને પણ સામાનોની ખરીદી માટે ક્રેડિટ ઉપલબ્ધ કરાવશે.

આમ તો, શાઓમી ભારતમાં પોતાનો લેન્ડિંગ પ્રોજેકટ પહેલા જ શરૂ કરી ચૂકી છે. આ વર્ષે મે મહિનામાં કંપનીએ લેન્ડિંગ પ્લેટફોર્મ ક્રેબીજીની સાથે પાર્ટનરશિપમાં ભારતમાં પોતાનો પહેલો લેન્ડિંગ પ્રોજેકટ લોન્ચ કર્યો હતો. શાઓમી ચીનમાં એમઆઈ ક્રેડિટ નામથી માઈક્રોલેન્ડિંગ પ્રોડકટ ચલાવે છે.

શાઓમીએ ભારતમાં પોતાના બિઝનેસની શરૂઆત સસ્તા સ્માર્ટફોનના ઓનલાઈન વેચાણથી કરી હતી. થોડા વર્ષોમાં જ તેણે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગના શાસને ખતમ કરી દીધું. હવે, તે સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહી છે. શાઓમી ભારતમાં જ Mi LED ટીવી બનાવવાની જાહેરાત કરી ચૂકી છે.

શાઓમીએ ડિકસન ટેકનોલોજી સાથે પાર્ટનરશિપમાં આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, જે ૩૨ એકર ક્ષેત્રમાં ફેલાયેલો છે અને તેમાં ૮૫૦થી વધુ કર્મચારીઓ કામ કરશે. શાઓમીની મહત્વકાંક્ષી વિસ્તાર યોજના અંતર્ગત ભવિષ્યમાં ઘણા અન્ય પ્રોજેકટ પણ આવી શકે છે.

 

(10:13 am IST)