Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હરિયાણા : પલવલ મસ્જિદ નિર્માણમાં તોઇબાના નાણા

એનઆઈએની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો :મસ્જિદના નિર્માણ માટે ત્રાસવાદી સંગઠન તોઇબાએ ૭૦ લાખથી વધુ રકમ આપી : ટેરર ફંડિંગ કેસમાં ઉંડી તપાસ

નવી દિલ્હી, તા.૧૫ : રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ)ની તપાસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, હરિયાણાના પલવલમાં સ્થિત એક મસ્જિદના નિર્માણ માટે લશ્કરે તોઇબાએ ફંડ જારી કરીને મદદ કરી હતી. આ મસ્જિદ પલવલ જિલ્લાના ઉત્તાવર ગામમાં છે જેનું નામ ખુલાફા એ રશીદીન રાખવામાં આવ્યું છે. જો કે, ગામના પ્રધાને તપાસ અહેવાલને ફગાવી દીધો છે. જાણકારી મુજબ એનઆઈએના અધિકારીઓએ ત્રીજી ઓક્ટોબરના દિવસે સમગ્ર મામલામાં તપાસ કરી હતી. આના ત્રણ દિવસ બાદ જ એજન્સીએ ટેરર ફંડિંગના મામલામાં મસ્જિદના ઇમામ મોહમ્મદ સલમાન સહિત ત્રણ લોકોને પકડી પાડ્યા હતા. મસ્જિદના ઇમામને મોહમ્મદ સલમાનને દુબઈ નિવાસી પાકિસ્તાની નાગરિક કામરાનના નામથી ૭૦ લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે, કામરાન આતંકવાદી સંગઠન માટે કામ કરે છે અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ માટે પૈસા ઉપલબ્ધ કરાવે છે. ચોંકાવનારી બાબત એ છે કે, મસ્જિદ જે જમીન ઉપર છે તે વિવાદાસ્પદ જમીન છે પરંતુ તેમને સલમાનના લશ્કરે તોઇબા સાથે સંબંધના સંદર્ભમાં માહિતી ન હતી. એનઆઈએના અધિકારીઓનું કહેવું છે કે, મસ્જિદના હોદ્દેદારોની પુછપરછ ચાલી રહી છે. દાન અને અન્ય સંબંધિત દસ્તાવેજોમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતુંકે, આ જમીન કાયદાકીયરીતે લેવામાં આવી હતી અને કેટલાક ગામના લોકોને મળીને આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફંડ આપવા માટે ગ્રામીણ લોકોએ પણ નાણાં આપ્યા હતા. પલવલની મસ્જિદમાં તોઇબાના પૈસા લાગેલા છે તેવા અહેવાલ આવ્યા બાદ એનઆઈએની ટુકડી વધુ તપાસમાં લાગી ગઈ છે. ટૂંકમાં જ કોઇ નવો ખુલાસો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ટેરર ફંડિંગનો નવો મામલો સપાટી પર આવ્યો છે.

(8:08 pm IST)