Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મોંઘા પેટ્રોલ-ડીઝલની અસરઃ રીટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી પણ બે મહિનાની ટોચે

દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર સપ્ટેમ્બરમાં વધીને ૫.૧૩ ટકા થયોઃ ઓગષ્ટનો આંક ૪.૫૩ ટકા હતો

નવી દિલ્હી, તા. ૧૫ :. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા તથા ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે જથ્થાબંધ મોંઘવારી આધારીત ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને બે મહિનાની ટોચે એટલે કે ૫.૧૩ ટકા ઉપર પહોંચી ગયો છે.

જથ્થાબંધ ભાવાંક આધારીત મોંઘવારીનો દર ઓગષ્ટમાં ૪.૫૩ ટકા તથા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો. આજે જારી થયેલા આંકડા અનુસાર ખાદ્ય પદાર્થોમાં સપ્ટેમ્બરમાં ઓગષ્ટના ૪.૦૪ ટકાની સરખામણીમાં ૦.૨૧ ટકા ઘટાડો રહ્યો હતો.

મોંઘવારીના દરમાં વધારા પાછળ ક્રુડના ભાવમાં થઈ રહેલો સતત વધારો જવાબદાર છે. આ સત્તાવાર આંકડા અનુસાર જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો થયો છે.

શાકભાજીમાં અપસ્થિતિ સપ્ટેમ્બરમા ૩.૮૩ ટકા રહી હતી. જે ઓગષ્ટમાં ૨૦.૧૮ ટકા હતી. ઈંધણ અને વિજળી બાસ્કેટમાં આ દરમિયાન ફુગાવો ૧૬.૬૫ ટકા રહ્યો હતો. પેટ્રોલ અને ડીઝલનો ફુગાવો અનુક્રમે ૧૭.૨૧ ટકા અને ૨૨.૧૮ ટકા હતો.

આ પહેલા ગયા સપ્તાહે રીટેલ મોંઘવારીના દરે પણ સરકારની પરેશાની વધારી હતી. રીટેલ મોંઘવારીના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં તે વધીને ૩.૭૭ ટકા થઈ હતી. જે ઓગષ્ટમાં ૩.૬૯ ટકા હતી.

(4:30 pm IST)