Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પેટ્રોલ - ડીઝલ : સરકારે જેટલા ભાવ ઘટાડ્યા એટલા તો માત્ર નવ દિવસમાં વધી ગયા!

રાહત ઓછી થઇ અને છેવટે સરકારનો ભાવ ઘટાડો સ્વાહા થઇ ગયો

નવી દિલ્હી તા. ૧૫ : મોંઘવારીનો માર સહત કરતી દેશની સામાન્ય પ્રજા ઉપર દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ રૂપી કોરડો વિંઝાય છે. દેશાના લોકોને રોજે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવનો માર સહન કરવો પડે છે. હવે સરકાર પણ ઇંધણના ભાવ ઉપર કાબુ લેવા માટે વિચારી રહી છે. આજે વડાપ્રધાન મોદી અને પ્રમુખ ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠાક થવા જઇ રહી છે. જોકે, આ પહેલા મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.૨.૫૦ ભાવ ઘટાડો કરીને લોકોને રાહતના સમાચાર આપ્યા હતા.

પરંતુ આ સારા સમાચાર વધારે દિવસ સુધી ટકયા નહીં. જેમ જેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો ગયો તેમ તેમ આ રાહત ઓછી થઇ અને છેવટે સરકારનો ભાવ ઘટાડો સ્વાહા થઇ ગયો હતો. પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાએ ઓકટોબરમાં થયેલા ભાવ ઘટાડા રૂ.૨.૫૦ના ઘટાડાને ચાઉં કરી ગયો. માત્ર નવ દિવસમાં જ સારા સમાચાર માઠા સમાચારમાં ફેરવાઇ ચુકયા છે. ભાવ ઘટાડા બાદથી અત્યાર સુધી રૂ.૨.૪૩ ભાવ વધી ચૂકયા છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.આજેય ભાવવધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ રૂ.૭૯.૭૩ થયો છે જયારે ડિઝલનો ભાવ રૂ.૭૮.૮૪એ પહોંચ્યો છે. જાણકારો કહ છેકે, છેલ્લા નવેક દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.૧.૨૨નો વધારો થયો છે જયારે ડિઝલમાં તો રૂ.૨.૪૩ પૈસા સુધીનો વધારો થઇ ચૂકયો છે.

ડિઝલના ભાવ વધતાં બજાર પર તેની વ્યાપક અસર પહોંચી રહી છે. તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેથી ગરીબ વર્ગની મુશ્કેલી વધી છે. કારમી મોંઘવારીમાં જીવન જીવવુ દોહ્યુ બન્યુ છે જેથી લોકોમાં રોષ ભભૂકયો છે.

(4:28 pm IST)