Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ચીનની 'ડબલ' અવળચંડાઇ : તિબેટમાં હેલીકોપ્ટરથી ઘુસણખોરી તો અરૂણાચલમાં જવાનોને ઘુસાડયા

નવી દિલ્હી તા. ૧૫ : લદ્દાખની હવાઈ સીમામાં ચીનના બે હેલિકોપ્ટર જોવા મળ્યા છે. આ બંને હેલિકોપ્ટર એવા વિસ્તારમાં જોવા મળ્યા છે જે રાજકીય રીતે ભારત માટે ખૂબ મહત્વનો છે અને તે સાથે જ ચીન અહીં ઘણી વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કરે છે.

ડોકલામ વિવાદ પછી ચીને ફરી એક વખત ભારતીય સીમામાં ઘૂસવાની હિંમત કરી છે. આ વખતે ચીની સૈનિકો તરફથી ડબલ એટેક કરવામાં આવ્યો છે. એકબાજુ જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં ચીને હેલિકોપ્ટરથી ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં જ બીજી બાજુ અરૂણાચલ પ્રદેશમાં ચીની સેના દેશની સીમાની અંદર જોવા મળી છે.

ભારત-તિબેટીયન સીમા પોલીસ (ITBP)ના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, ચીનના બે હેલિકોપ્ટર ભારતીય સીમામાં જોવા મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ બંને હેલિકોપ્ટર ૨૭ ઓગસ્ટ સવારે ૯ વાગે લદ્દાખના બુર્તસે અને ટ્રેક જંકશન પોસ્ટની આસપાસ જોવા મળ્યા છે.

ITBPના રિપોર્ટ પ્રમાણે બંને ચીની હેલિકોપ્ટર MI_17 જેવા દેખાતા હતા. આ હેલિકોપ્ટર ૫ મિનિટ સુધી ભારતીય હવાઈ સીમામાં રહ્યા હતા.

લદ્દાખના બુર્તસે અને ટ્રેક જંકશન પોસ્ટ ટ્રિગ હાઈટ અને ડેપસાંગ વિસ્તારમાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખના ટ્રિગ હાઈટ અને ડેપસાંગનો આ વિસ્તાર ભારત માટે રાજકીય રીતે ખૂબ મહત્વનો છે. તેથી જ ચીન અહીં કબજો કરવાનો પ્રયત્ન કરતું રહ્યું છે અને વારંવાર ઘુસણખોરીનો પ્રયત્ન કરે છે. આ વિસ્તારમાં ભારતનું મહત્વનું દૌલત બેગ ઓલ્ડી એરફિલ્ડ પણ છે. જેના પર ચીન ઘૂસણખોરી દ્વારા નજર રાખવાનો પ્રયત્ન કરે છે.

લદ્દાખમાં હવાઈ સીમાનું ઉલંલઘન કરનાર ચીની સૈનિકોએ ચીનની બોર્ડર પણ પાર કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરૂણાચલ પ્રદેશની દિવાંગ ખીણમાં તે વિસ્તારના ગ્રામીણોએ ચીની સુરક્ષાસેના દાખલ થઈ હોવાની માહિતી આપી છે. આ ઘટના થોડા દિવસ પહેલાંની હોવાનું જાણવા મળ્યું છે.

જોકે આ મુદ્દે સેના તરફથી મીડિયાને જણાવવામાં આવ્યું છે કે, તેમણે સીમાનું ઉલ્લંઘન કર્યું નથી. એલએસી (હકીકતની નિયંત્રણ રેખા)ના કારણે થતાં વિવાદના કારણે તે જ આધારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

(4:27 pm IST)