Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ચાલુ કલાસમાં જ વિદ્યાર્થીઓ સામે સ્કૂલ પ્રિન્સીપાલની હત્યા

મૃતક ૬૦ વર્ષીય રંગાનાથ બેંગલુરૂના અગ્રહરા દસારહલ્લી વિસ્તારમાં હવાનુર પબ્લિક સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા

બેંગલુરૂ તા. ૧૫ : રવિવારે શહેરમાં એક સ્કૂલના પ્રિન્સિપાલની તેમના ૨૦ સ્ટુડન્ટની હાજરીમાં જ છ લોકોએ હત્યા કરી નાખી હતી. રવિવારે સ્ટુડન્ટ માટે પ્રિન્સિપાલે ખાસ કલાસનું આયોજન કર્યું હતું. આ દરમિયાન છ લોકોની એક ગેંગે પ્રિન્સિપાલ પર હુમલો કરી દીધો હતો. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેમનું મોત થઈ ગયું હતું.

મૃતક ૬૦ વર્ષીય રંગાનાથ બેંગલુરુના અગ્રહરા દસારહલ્લી વિસ્તારમાં હવાનુર પબ્લિક સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. છ લોકોની ગેંગ જયારે સ્કૂલમાં ધસી આવી ત્યારે તેઓ ધોરણ-૧૦નાં ૨૦ જેટલા સ્ટુડન્ટને ભણાવી રહ્યા હતા. હુમલાખોરો એક કાર લઈને સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ તમામ લોકો કાર લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે બેંગલુરુના એક વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાતમી મળ્યા બાદ પોલીસ જયારે આરોપીને પકડવા પહોંચી ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી દીધો હતો. જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને કારણે આરોપીના પગમાં ગોળી વાગી હતી. જે બાદમાં પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસે હુમલા પાછળ જમીન વિવાદ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું છે. પોલીસ માની રહી છે કે સ્કૂલની જમીનને લઈને થયેલા વિવાદમાં તેના પ્રિન્સિપાલ પર હુમલો થયો હોઈ શકે.

(11:58 am IST)