Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમેરિકામાં આયોજકોને ભારતીય વૈજ્ઞાનિકની અટક હિન્દુ જેવી ન લાગી : ગરબા કાર્યક્રમમાંથી કાઢી મૂકાયા

એટલાન્ટાના શકિત મંદિરની ઘટના : વૈજ્ઞાનિક કરણ કહે છે... ભેદભાવ કેમ?: હિન્દુ માનવાનો પણ ઇન્કાર કરી દેવાયો કરણ જાનીને : કરણ મૂળ વડોદરાના છે

નવી દિલ્હી તા. ૧૫ : વડોદરાના એક પ્રતિષ્ઠીત વૈજ્ઞાનિક કે જેઓ હાલ અમેરિકામાં રહે છે. તેમનો આરોપ છે કે મને એક ગરબા કાર્યક્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે, હું મારા ૩ મિત્રો સાથે એટલાંટા સ્થિત એક ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. જ્યાં આયોજકોએ મને એટલા માટે બહાર કાઢી મૂકયો કે મારી અટક હિન્દુ જેવી ન્હોતી લાગી.

૨૯ વર્ષનો કરણ જાની ૨૦૧૬માં અમેરિકાના લેજર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશ્નલ વેવ ઓબ્ઝરવેટરીની ટીમનો હિસ્સો બન્યો હતો. તેમણે ટવીટર - ફેસબુક પર લખ્યું છે કે, મને શ્રી શકિત મંદિરના આયોજકો દ્વારા કાર્યક્રમમાંથી બહાર કાઢયો હતો. હું ત્યાં ૬ વર્ષથી ગરબા કરતો રહ્યો છું અને આવું કદી બન્યું નથી.

જાનીએ કહ્યું હતું કે, આયોજકો સાથે મેં ગુજરાતીમાં વાત કરી પણ કોઇ અસર ન થઇ. સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કરતાં તેમણે લખ્યું હતું કે, અમેરિકાના એટલાન્ટાના શકિત મંદિરમાં મને અને મારા મિત્રોને ગરબામાં એટલા માટે પ્રવેશ ન અપાયો કે હું હિન્દુ દેખાતો ન્હોતો અને તમારા ઓળખપત્ર પર લખેલ અટક હિન્દુની પ્રતિતિ નથી કરાવતી.

જાનીએ કહ્યું હતું કે, જ્યારે મારા મિત્રએ મંદિરના સ્વયંસેવકને ઓળખપત્ર બતાડયું તો તેઓને લાગ્યું કે પ્રવેશ નહિ મળે કારણ કે તેમની સરનેમ 'વાલા' છે અને લાગે છે કે તે હિન્દુ સરનેમ નથી.

જાનીએ ટ્વીટર પર લખ્યું કે મારી મિત્રએ સ્વયંસેવકને કહ્યું કે, મારૂ નામ મુરદેશ્વર છે અને હું એક કન્નડ મરાઠી છું તો સ્વયંસેવકે કહ્યું હતું કે, કન્નડ શું હોય છે? તમે ઇસ્માઇલી છો. જાની કહે છે કે મેં આવો ભેદભાવ પહેલીવાર સહન કર્યો.

(11:55 am IST)