Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભારતમાં ભૂખમરો મહાસમસ્યા : ૧૧૯ દેશોમાં આપણે ૧૦૩માં ક્રમે પહોંચ્યા : ૨૦૧૪માં ૫૫માં ક્રમે હતું

મોદી સરકાર રચાયા બાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્ષમાં ભારત પાછળ ધકેલાતું ગયું છેઃ ભારતની સ્થિતિ નેપાળ - બાંગ્લાદેશથી પણ ખરાબ

નવી દિલ્હી તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે જ ગરીબી દૂર કરવાના લાખ દાવા કરી રહ્યાં હોય પણ સત્ય તેનાથી એકદમ વિપરિત છે. ગ્લોબલ હંગર ઈન્ડેકસ(જીએચઆઈ)નો રિપોર્ટ દેશની એક અલગ જ તસવીર રજૂ કરે છે. રિપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની એક ગંભીર સમસ્યા છે અને ૧૧૯ દેશોમાં વૈશ્વિક ભૂખ સૂચઆંકમાં ભારત ૧૦૩માં ક્રમે સરકી ગયું છે. ગત વર્ષે ભારત આ યાદીમાં ૧૦૦માં સ્થાને હતું. જોકે તેની મોદી સરકારની એક મોટી નિષ્ફળતા ગણી શકાય છે. અચરજની વાત તો એ છે કે વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર રચાયા બાદથી ગ્લોબલ હંગર ઈન્ડેકસમાં ભારતના રેન્કિંગમાં સતત ઘટાડો નોંધાયો છે. ૨૦૧૪માં ભારત જયાં ૫૫માં ક્રમે હતું તો ૨૦૧૫માં ૮૦માં, ૨૦૧૬માં ૯૭માં અને ગત વર્ષે ૧૦૦માં ક્રમે પહોંચી ગયું અને આ વખતે તો રેન્કિંગમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે.

ગ્લોબલ હંગર ઈન્ડેકસ એટલે કે જીએચઆઈની શરૂઆત ૨૦૦૬માં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કરી હતી. વેલ્ટ હંગરલાઈફ નામની એક જર્મન સંસ્થાએ ૨૦૦૬માં પહેલીવાર ગ્લોબલ હંગર ઈન્ડેકસ જારી કર્યુ હતું. આ વખતે એટલે કે ૨૦૧૮નું ઈન્ડેકસ તેની ૧૩મી યાદી છે. ગ્લોબલ હંગર ઈન્ડેકસમાં દુનિયાના તમામ દેશોમાં ખાનપાનની સ્થિતિની વિગતવાર માહિતી હોય છે. એટલે કે લોકોને કેવા પ્રકારના ખાદ્યપદાર્થો મળી રહ્યાં છે. તેની ગુણવત્તા અને માત્રા કેટલી છે અને તેમાં શેનો અભાવ છે? જીએચઆઈનું રેન્કિંગ દર વર્ષે ઓકટોબરમાં જાહેર કરાય છે.

ગ્લોબલ હંગર ઈન્ડેકસ- ૨૦૧૮માં ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોથી પણ બદતર છે. ચાલુ વર્ષે જીએચઆઈમાં બેલારુસ ટોચ પર છે તો ભારતના પાડોશી દેશ ચીન ૨૫માં, બાંગ્લાદેશ ૮૬માં, નેપાળ ૭૨માં તો શ્રીલંકા ૬૭માં અને મ્યાનમાર ૬૮માં ક્રમે છે. જોકે પાકિસ્તાન ૧૦૬માં ક્રમે છે.(૨૧.૧૪)

(11:52 am IST)