Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

૧૯૯૪નો છે મામલો

અસમ ફેક એકાઉન્ટર : મેજર જનરલ સહિત ૭ને જન્મટીપ

ગુવાહાટી તા. ૧૫ : અસમમાં ૧૯૯૪માં પાંચ યુવકોના નકલી એન્કાઉન્ટર મામલે આર્મી કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા સાત સૈન્યકર્મીઓને ઉમરકેદની સજા સંભળાવી છે. આ સૈન્યકર્મીઓમાં એક પૂર્વ મેજર જનરલ, ૨ કર્નલ અને ૪ અન્ય સૈનિકનો સમાવેશ થાય છે. આ નિર્ણય અસમના દિબ્રુગઢ જિલ્લાના ડિંજન સ્થિત ૨ ઈન્ફેન્ટ્રી માઉન્ટેન ડિવિઝનમાં થયેલા કોર્ટ માર્શલમાં સંભળાવવામાં આવ્યો હતો. જોકે, ઉચ્ચ સ્તર પર થયેલા (જેવી રીતે કોલકાતા સ્થિત આર્મી હેડકવાર્ટર્સ)પુષ્ટિ થવાની બાકી છે. સૂત્રોએ જણાવ્યું કે ઓફિશ્યિલી કન્ફર્મ થવામાં ૨-૩ મહિના થઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે જે સાત લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે તેમાં મેજર જનરલ એ.કે.લાલ, કર્નલ થોમસ મેથ્યૂ, કર્નલ આર.એસ. સિબિરેન, જૂનિયર કમિશન્ડ ઓફિસર્સ અને નોનકમિશન્ડ ઓફિસર્સ દિલીપ સિંહ, જગદેવ સિંહ, અલબિંદર સિંહ અને શિવેન્દર સિંહનો સમાવેશ થાય છે. દોષી સેન્યકર્મી આ નિર્ણય વિરુદ્ઘ આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. નોંધનીય છે કે મેજર જનરલ લાલને લેહ સ્થિત ઈન્ફન્ટ્રી ડિવિઝનના કમાન્ડર પદથી ૨૦૦૭માં ત્યારે હટાવવામાં આવ્યા હતાં જયારે એક મહિલા અધિકારીએ તેની સામે યોગ શીખવવાના બહાને અનુચિત વ્યવહાર અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. આ પછી ૨૦૧૦માં કોર્ટ માર્શલ પછી સેવાપદેથી હટાવ્યાં હતાં. આર્મ્ડ ફોર્સિસ ટ્રીબ્યૂનલે તેના રિટાયર્મેન્ટના લાભોને અટકાવ્યાં હતાં.

નવો કોર્ટ માર્શલ નિર્ણય ઓલ અસમ સ્ટૂડન્ટ્સ યુનિયન (AASU)ના કાર્યકર્તાઓ પ્રવીણ સોનોવાલ, પ્રદીપ દત્તા, દેબાજીત વિશ્વાસ, અખિલ સોનોવાલ અને ભાવેન મોરનની હત્યાના મામલે આવ્યો છે. આ પાંચે એકિટવિસ્ટને પંજાબ રેજિમેન્ટના એક યુનિટે ચાર અન્ય લોકો સાથે ૧૪ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી ૧૯૯૪ વચ્ચે તિનસુકિયા જિલ્લા અલગ અલગ જગ્યાઓથી ઉઠાવવામાં આવ્યાં હતાં.

હકીકતમાં તલપ ટી એસ્ટેટના અસમ ફ્રન્ટિયર ટી લિમિટેડના જનરલ મેનેજર રામેશ્વર સિંહની ઉલ્ફા ઉગ્રવાદીઓએ હત્યા કરી હતી. જે પછી સેનાએ ઢોલા આર્મી કેમ્પમાં ૯ લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી પાંચ લોકો ૨૩ ફેબ્રુઆરી ૧૯૯૪ના કુખ્યાત ડાંગરી ફેક એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યાં હતાં. AASUના તત્કાલીન ઉપાધ્યક્ષ અને હાલના બીજેપી નેતા જગદીશ ભુયાને આ ફેક એન્કાઉન્ટર વિરૂદ્ઘ એકલા ગુવાહાટી હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડી હતી. જે પછી મામલાની સીબીઆઈ તપાસ થઈ હતી. અસમના હાલના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ એક સમયે AASUના અધ્યક્ષ રહ્યાં હતાં.(૨૧.૪)

(9:54 am IST)