Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દુર્ગાપૂજા પંડાળ મારફતે ભાજપ મતદારોમાં જશે

પશ્ચિમ બંગાળમાં ભાજપની રણનીતિ

કોલકાતા, તા. ૧૪ : પશ્ચિમ બંગાળના સૌથી મોટા પર્વ દુર્ગાપૂજાને ધ્યાનમાં લઇ વિપક્ષી ભાજપે પણ લોકો સુધી પહોંચવા માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે. પાર્ટીએ પૂજા દરમિયાન પંડાળોની આસપાસ આશરે ૩૦૦૦ બુક સ્ટોલ લગાવવાનો નિર્મય કર્યો છે જેમાં પાર્ટીની વિચારધારા ઉપર આધારિત અનેક પુસ્તકો રજૂ કરવામાં આવનાર છે. ભાજપની વિચારધારા ઉપર પુસ્તકોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જનસંઘ સાથે જોડાયેલા પુસ્તકો પણ આ સ્ટોલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની સાથે સાથે રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી), નાગરિક સુધારા બિલને લઇને પણ વિચારો રજૂ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ મહાસચિવ બસુએ કહ્યું છે કે, આ વર્ષે સમગ્ર રાજ્યમાં આશરે ૩૦૦૦ બુકસ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જુદા જુદા પંડાળોની બહાર અમે સ્ટોલ લગાવીશું ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કહેવા મુજબ પ્રદેશ ભાજપના ઇતિહાસમાં આ વખતે દુર્ગાપૂજામાં સૌથી વધુ સ્ટોલ રાખવામાં આવશે. પહેલા સંગઠનની શક્તિ વધારે ન હતી પરંતુ સમય જતાં પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. તૃણમુલ કોંગ્રેસના દુષ્પ્રચારને રોકવા માટેભાજપે આક્રમક તૈયારી કરી છે.

(12:00 am IST)