Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જાતિય સતામણીના આક્ષેપો ખોટા છે : અકબરની સ્પષ્ટતા

કાયદાકીય લડત ચલાવવાની તૈયારી દર્શાવી : ૧૨થી વધુ મહિલાઓ દ્વારા જાતિય સતામણીના આરોપ કર્યા બાદ અકબર પર રાજીનામુ આપી દેવાનું તીવ્ર દબાણ

નવી દિલ્હી, તા. ૧૪ : વિદેશથી પરત ફર્યા બાદ વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પોતાની સામે મુકવામાં આવેલા તમામ આક્ષેપોને આજે રદિયો આપ્યો હતો. એમજે અકબરે કહ્યું હતું કે, જાતિય સતામણીના આરોપો આધારવગરના છે. આને લઇને તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે આરોપોના સમય ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, સામાન્ય ચૂંટણીથી પહેલા કેમ આક્ષેપો થઇ રહ્યા છે. અકબરે કહ્યું હતું કે, તેમની સામે મુકવામાં આરોપો બિલકુલ આધારવગરના છે.  સત્તાવાર પ્રવાસ ઉપર વિદેશમાં હોવાના કારણે આરોપો અંગે જવાબ આપી રહ્યા ન હતા. વિદેશ રાજ્યમંત્રીએ વિસ્તૃત નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ પોતાની સામે જાતિય સતામણીના આરોપો મુકનાર લોકો સામે કાર્યવાહી કરશે. કેટલાક વર્ગોમાં કોઇપણ પ્રકારના પુરાવા વગર આક્ષેપો મુકવાની બિમારી રહે છે. હવે તેઓ પરત ફર્યા છે અને કાયદાકીય લડત ચલાવશે. આના માટે તેમના વકીલ આ નિરાધાર આરોપોમાં ધ્યાન આપશે. એમજે અકબર ઉપર ઓછામાં ઓછી ૧૨ મહિલાઓ દ્વારા અયોગ્ય વર્તન કરવા અને જાતિય અત્યાચાર અને શોષણ કરવાનો આક્ષેપ મુક્યો છે. એમજે અકબર જ્યારે અખબારમાં એડિટર તરીકે હતા ત્યારે તેમના ઉપર આક્ષેપ મુકવામાં આવ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા તમામ આરોપોમાં તપાસની માંગ કરવામાં આવી રહી છે. અકબરના રાજીનામાની માંગ પણ ઉઠી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, તેમના ઉપર રાજીનામુ આપી દેવા માટે પણ દબાણ બનેલું છે. મોદી સરકારમાં તેઓ રહેશે કે કેમ તેને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. પીએમઓ દ્વારા પણ આને લઇને બેઠકો બોલાવવામાં આવી રહી છે.  એવા અહેવાલ પણ વચ્ચે આવ્યા હતા કે, નાઇઝિરિયાથી પરત ફર્યા બાદ અકબરે તેમનું રાજીનામુ મોકલી દીધું હતું. જો કે, સુત્રોએ કહ્યું હતું કે, સરકારે રાજીનામુ સ્વીકાર્યું નથી. હવે અકબર વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને મળીને આ મુદ્દા ઉપર ખુલાસો કરશે. આજે દિલ્હી પરત ફર્યા બાદ પત્રકારો પહોંચી ગયા હતા અને તેમને આ સંદર્ભમાં પ્રશ્નો કર્યા હતા. ભાજપે આ મુદ્દા ઉપર હજુ સુધી મૌન પાળ્યું છે. પાર્ટીના સુત્રોનું કહેવું છે કે, તેમની સામે મુકવામાં આવેલા આરોપ ખુબ ગંભીર છે. આવી સ્થિતિમાં પ્રધાન તરીકે તેઓ ચાલુ રહી શકે તેવી સ્થિતિ નથી. આ ઉપર પોતાનું વલણ અકબર સ્પષ્ટ કરી ચુક્યા છે. સોશિયલ મિડિયા ઉપર આશરે નવ મહિલાઓએ અકબર ઉપર જાતિય સતામણીના આક્ષેપો કર્યા છે. અલબત્ત આ આક્ષેપો એવા સમયના છે જ્યારે તેમની રાજનીતિમાં એન્ટ્રી થઇ ન હતી. અને મોટાભાગના આક્ષેપો તેમના પત્રકારત્વના કેરિયર દરમિયાન મુકવામાં આવ્યા હતા. મહિલા પત્રકારો દ્વારા તેમના ઉપર આક્ષેપો થયા હતા.

(12:00 am IST)