Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

૨૧ સપ્ટેમ્બર પછી પણ ધો.૯ થી ૧૨ માટે શાળાઓ નહિ જ ખુલે

દિવાળી બાદ રાજયમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે : અનલોક-૪માં શાળાઓ ધો.૯ થી ૧૨ માટે વાલીની સંમતિથી વિદ્યાર્થીઓને બોલાવી શકે એવી મરજીયાત છૂટ કેન્દ્ર સરકારે આપી હતી, તેનો અમલ રાજયમાં કરવામાં આવશે નહિં : કેબીનેટની બેઠકમાં નિર્ણય : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૬ : રાજયમાં આગામી ૨૧મી સપ્ટેમ્બરથી શાળાઓ નહિં ખુલે. રાજયના મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવશે.

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે અનલોક-૪માં શાળાઓ ધો.૯ થી ૧૨ માટે વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓને બોલાવી શકે તેવી મરજીયાત છૂટ કેન્દ્ર સરકારે આપી હતી તેનો અમલ ગુજરાતમાં કરવામાં આવશે નહિં. રાજયની અગ્રીમ હરોળની સ્કુલ સંચાલકોએ એવો પણ દાવો કર્યો હતો કે ૭૦%થી વધુ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી.

આ અગાઉ કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ધો.૯ થી ૧૨ સુધીના અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જારી કરવામાં આવી હતી. જેના આધારે ૨૧મી સપ્ટેમ્બરથી અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એમ પણ કહ્યુ હતું કે શાળાઓ પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

દરમિયાન શૈક્ષણિક મહાસંઘની પણ શાળાઓ ખોલવા અંગે ચર્ચા - વિચારણા થઈ હતી. આ બેઠકમાં પણ એવો નિર્ણય લેવાયો હતો કે દિવાળી સુધી શાળાઓ ખુલશે નહિં. દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શાળા શરૂ કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. જો કે શાળાઓ કયારથી શરૂ કરવી તેના અંગે કોઈ દિશાનિર્દેશ આપવામાં આવ્યો નથી.

(3:02 pm IST)