Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કલમ ૩૭૦ : ૮ અરજી પર સુપ્રીમમાં થયેલી સુનાવણી

૩૭૦ની નાબૂદી, નેતાઓને નજરકેદનો મુદ્દો છવાયો : જુદી જુદી અરજીઓમાં તર્કદાર દલીલો કરવામાં આવી

નવીદિલ્હી, તા. ૧૬ : કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે શ્રેણીબદ્ધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કુલ આઠ અરજીઓ ઉપર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે જેમાં સીપીઆઈના નેતા સીતારામ યેચુરીની એક અરજી પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે આજે તર્કદાર દલીલો ઉપર સ્પષ્ટ વાત કરી હતી. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની જોગવાઈઓને દૂર કરવામાં આવ્યા બાદ આને પડકાર ફેંકીને રજૂ કરવામાં આવેલી આઠ અરજીઓ ઉપર આજે સુનાવણી થઇ હતી. આ અરજીઓમાં કલમ ૩૭૦ની નાબૂદી, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની કાયદેસરતા અને ત્યાં લાગૂ કરવામાં આવેલા નિયંત્રણોને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

          જે અરજીઓ રહેલી છે તેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ સામેલ છે. ગુલામ નબીએ પોતાના વતન રાજ્ય જવા માટેની મંજુરી માંગી છે. આ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એસએ બોબડે અને અબ્દુલનઝીરની બેંચ દ્વારા કરવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના વડા સજ્જાદ લોને કલમ ૩૭૦ની જોગવાઇઓને ખતમ કરવા અને રાજ્યની ફેરરચનાને કાયદેસરતા આપવાને પડકાર ફેંકીને અરજી દાખલ કરી છે. બાળઅધિકારી સાથે જોડાયેલી કાર્યકર ઇનાક્ષી ગાંગુલીએ પણકોર્ટમાં રજૂઆત કરી છે. પ્રોફેસર પ્રશાંત સિંહાએ પણ ખાસરાજ્યના દરજ્જાને ખતમ કરી દીધા બાદ જમ્મુ કાશ્મીરમાં બાળકોને ગેરકાયદેરીતે કેદમાં રાખવાને લઇને અરજી દાખલ કરી છે.

(7:41 pm IST)