Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

NASAનુ ઓર્બિટર 'વિક્રમ'ની લેન્ડિંગ સાઇટ પાસે પહોંચ્યું: પહેલીવાર તસવીર સામે આવશે

૧૭ સપ્ટેમ્બરે નાસાનું લૂનર રિકોનિસન્સ ઓર્બિટર ચંદ્રના એ સ્થળ ઉપરથી પસાર થશે જયાં વિક્રમનું લેન્ડિંગ થયું હતું

નવી દિલ્હી, તા.૧૬: ૭ સપ્ટેમ્બરના શરૂઆતના કલાકોમાં ચંદ્રથી માત્ર ૨.૧ કિમીના અંતરે લેન્ડર વિક્રમનો ઇસરો ના કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ચંદ્રયાન-૨ના ઓર્બિટરની મદદથી ચંદ્ર પર વિક્રમનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું. હવે સૌથી મોટો પડકાર છે, લેન્ડર વિક્રમ સાથે સંપર્ક ફરી સ્થાપિત કરવો. લેન્ડિંગના સમયે વિક્રમની સાથે શું થયું હતું અને વિક્રમના હાર્ડ લેન્ડિંગ બાદ ચંદ્ર પર તેની લેન્ડિંગ સાઇટ પર શું ફેરફાર આવ્યા, આ તમામ સવાલોના જવાબ મળવા જઈ રહ્યા છે. કાલે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે નાસાનું લૂનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) ચંદ્રના એ સ્થળ પર ચક્કર મારશે જયાં વિક્રમનું લેન્ડિંગ થયું હતું.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ અત્યાર સુધી વિક્રમના લેન્ડિંગ સ્થળની કોઈ પણ તસવીર જાહેર નથી કરી. ચંદ્રયાન-૨ના પોતાના ઓર્બિટર ઉપરાંત, નાસાના લૂનર રિકોનિસન્સ ઓર્બિટર પણ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. નાસાનું ઓર્બિટર ૧૭ સપ્ટેમ્બરે આ વિસ્તાર ઉપરથી પસાર થશે. સાઇટની તસવીરો ઇસરોને તેના વિશ્લેષણમાં મદદ કરી શકે છે. નોંધનીય છે કે, ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરી ભારત દુનિયાનો ચોથો દેશ બનાવાનો હતો.

(4:41 pm IST)