Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાષ્ટ્રહિતમાં સરકાર જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ બહાલ કરે

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ : તબક્કાવાર પ્રતિબંધો હટાવવામાં આવેઃ સ્થિતિ સામાન્ય કરવા પગલાં લ્યે : ચીફ જસ્ટીસ કહે છે.. જરૂર પડયે હું ખુદ જમ્મુ-કાશ્મીર જઇશઃ કોર્ટે ગુલામનબીને જવા આપી પરવાનગી

નવી દિલ્હી,તા.૧૬:ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઇએ જમ્મૂ કાશ્મીરને લઇને દાખલ અરજીઓની સુનાવણી કરતા કહ્યું કે જો જરૂર પડશે તો હું ખુદ શ્રીનગર જઇશ. એમણે કહ્યું કે એમણે જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટથી એક રિપોર્ટ માંગી છે. આ રિપોર્ટને જોયા બાદ જો મને લાગે છે કે ત્યાં જવું જોઇએ તો હું ખુદ ત્યાં જઇશ.

આ મામલાની સુનાવણી દરમિયાન CJI સરકારને પૂછ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે અત્યાર સુધી શું પગલા ઉઠાવ્યા છે તેની જાણકારી આપે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે જણાવ્યું કે એક પણ ગોળી ચલાવાઇ નથી. કેટલાક સ્થાનિય પ્રતિબંધો લાગ્યા છે. જયારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે કાશ્મીરમાં જો કથિત બંધ છે તો તેને જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટથી નીપટાવી શકાય છે.

જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર ટાઈમ્સના સંપાદક અનુરાધા ભસીનની અરજી અંગે સુપ્રીમમાં સુનાવણી કરવામાં આવી. સુપ્રીમમાં કાશ્મીર ટાઈમ્સના વકીલે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ કે સંચાર માધ્યમની કોઈ સુવિધા નથી. જેના જવાબમાં એટોર્ની જનરલે જણાવ્યુ હતુ કે, શ્રીનગર-જમ્મુમાં સતત સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જયારે કોર્ટે સવાલ કર્યો કે, અત્યાર સુધી સરકારે કાશ્મીર ખીણમાં ટેલિફોન સેવા શરૂ કેમ કરવામાં આવી નથી.

જેનો જવાબ આપતા એટોર્ની જનરલે જણાવ્યુ હતુ કે, કાશ્મીર ખીણમાં મીડિયાના કર્મચારીઓ સંચાર વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકારને રિપોર્ટ દાખલ કરવાના આદેશ આપ્યા છે. જેથી આ રિપોર્ટ દાખલ કરવા એટોર્ની જનરલે કોર્ટ પાસે બે સપ્તાહનો સમય માગ્યો છે. કોર્ટે સુનાવણી દરમ્યાન કેન્દ્રને કોઈપણ પ્રકારના આદેશ આપવાના પણ ઇનકાર કર્યા છે. સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે સંચાર વ્યવસ્થાને શરૂ કરવાના આદેશ આપી શકે છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, લોકોનું જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ ન પહોંચવું એક ગંભીર મુદ્દો છે. તેઓએ પૂછ્યું કે, શું લોકોને કોર્ટ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલત ગંભીર છે, એવામાં હું જાતે શ્રીનગર જઈશ. સુપ્રીમ કોર્ટે આ મામલામાં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટને નોટિસ આપી છે.

રિપોર્ટ ઉલટો આવ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહો સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ન્યાયધીશ સાથે આ આરોપ પર રિપોર્ટ માંગ્યો છે કે લોકોને હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજકર્તા વકીલને કહ્યું કે, જો લોકો હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં અસમર્થ છે તો આ ખૂબ ગંભીર બાબત છે, હું પોતે શ્રીનગર જઈશ. જો જમ્મુ-કાશ્મીરના હાઈકોર્ટના ન્યાયાધીશનો રિપોર્ટ તેનાથી ઉલટો આવ્યો તો પરિણામ માટે તૈયાર રહેજો.

સોમવારે જમ્મુ-કાશ્મીરના મુદ્દે અરજીઓ પર સુનાવણી થઈ રહી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર પાસે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું. ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીમાં હોવા પર કોર્ટે ૩૦ સપ્ટેમ્બર સુધી કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને સુપ્રીમ કોર્ટે કાશ્મીર દ્યાટીમાં જવાની મંજૂરી આપી દીધી છે. તેમને શ્રીનગર અને બારામૂલા જવાની મંજૂરી મળી છે. આ પહેલા તેમને બે વાર દિલ્હીથી દ્યાટી જતી વખતે રોકવામાં આવ્યા હતા. જોકે, ચીફ જસ્ટિસે કહ્યું કે, આ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારના સાર્વજનિક ભાષણ કે રેલી નહીં કરી શકે.

દૂરદર્શન જેવી ટીવી ચેનલ અને અન્ય ખાનગી ચેનલ, એફએમ નેટવર્ક કામ કરી રહ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે એક ગોળી પણ ચલાવાઇ નથી અને કેટલાક સ્થાનિય પ્રતિબંધો લાગ્યા છે. તેના પર સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને કહ્યું કે આ સોગંધનામાનું વિવરણ આપવામાં આવે અને સામાન્ય સ્થિતિ બનાવવા પ્રયાસ કરવામાં આવે

(4:21 pm IST)