Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હજારો ઇન્ડો-અમેરીકનોને ટ્રમ્પ-મોદી સંબોધશે

૨૨ સપ્ટેમ્બરે અમેરીકાના હયુસ્ટન ખાતે ઐતિહાસીક ઘટના સર્જાશેઃ ભારતીય રાજદુત હર્ષવર્ધન શ્રુંગલાની જાહેરાત : મોડી રાત્રે વ્હાઇટ હાઉસ દ્વારા સતાવાર જાહેરાતઃ હાઉ ડુ યુ ડુ (હાઉડી) મોદી કાર્યક્રમ માટે નરેન્દ્રભાઇનું આમંત્રણ મળતાવેંત ટ્રમ્પે હા પાડી દીધી

ઓસીંંટન, તા.૧૬: 'હાઉડી મોદી' કાર્યક્રમ ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં યોજાવવા જઈ રહ્યો છે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ જોડાશે તેવી પુષ્ટિ વ્હાઈટ હાઉસે કરી છે. કાશ્મીર પર અનેકવાર ચર્ચાઓ કર્યા બાદ પણ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનના પક્ષમાં કોઈ નથી. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવવાના સપના જોઈ રહ્યા છે પણ અહીં તેમને તેનાથી પણ મોટો ઝટકો લાગી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૧થી ૨૭ સપ્ટેમ્બર સુધી અમેરિકીના પ્રવાસે જશે. આ દરમિયાન PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે એક મંચ પર રહેશે. ૨૨ સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં PM મોદી અને ટ્રમ્પ એક સાથે ભારતીય-અમેરિકી લોકોને સંબોધન કરશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી કરવા માટે હ્યૂસ્ટન, ટેકસાસ અને વૈપકોટેના ઓહિયોનો પ્રવાસ કરશે.

હ્યૂસ્ટનમાં PM મોદીની સાથે ડોનાલ્ડ ટ્રંપ પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે. આ મામલે ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બન્ને નેતાઓ હાઉડી મોદી  કાર્યક્રમને સંબોધન કરશે જે ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના આ પ્રવાસ દરમિયાન PM મોદી સંયુકત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને પણ સંબોધિત કરશે. અને ન્યૂયોર્કમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાર્તામાં પણ સામેલ થશે. સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૪માં  સત્રમાં વકતાઓની યાદી મુજબ PM મોદીનું સંબોધન ૨૭ સપ્ટેમ્બરે હશે. ત્યારબાદ પાકિસ્તાનના ઈમરાન ખાન સંબોધન કરશે.

વ્હાઈટ હાઉસે તેની પુષ્ટિ પણ કરી છે. ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં પીએમ ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ મોટા કાર્યક્રમમાં ૫૦ હજારથી વધારે લોકો જોડાશે. 'હાઉડી મોદી' નામના આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપ પણ ભાગ લેશે. પાકિસ્તાનને માટે આ મોટો ઝટકો હશે કારણે કે વિશ્વ સ્તર પર ભારતની છબી ખરાબ કરવાની ઈમરાનની તમામ કોશિશ અસફળ રહી છે. આ સમયે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ પોતાના સમકક્ષો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. જેના માટે તેઓ ફિનલેન્ડથી અમેરિકા જશે.

ઈતિહાસમાં પહેલી વાર એવું બનશે કે જયારે બે તાકાતવર દેશોના પીએમ એકસાથે મંચ પર આવશે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં હાલમાં ૫૦ હજાર લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂકયા છે જયારે હજુ પણ ૮૦૦૦ લોકો વેટિંગ લિસ્ટમાં છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફિની ગ્રિશેમે જાહેર કર્યું કે મોદી-ટ્રંપની પહેલી સંયુકત રેલીના કારણે ભારત -અમેરિકાના સંબંધો સુધરશે, પહેલી વાર જયારે હજારો અમેરિકી અને ભારતીયો એક જગ્યાએ સાથે હશે. ત્યારે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપનું આ ઈવેન્ટમાં હોવું એ ઐતિહાસિક છે. આ ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત થતાં બતાવે છે.

(4:09 pm IST)