Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમિતાભની ફિલ્મ 'અજૂબા'ના સંગીતકાર, પદ્મશ્રીથી સન્માનિત વનરાજ ભાટિયા પાસે એક રૂપિયો'ય નથી!

મેડિકલ ચેકઅપ કરાવવાના પૈસા પણ નથીઃ નોકર સાથે રહે છેઃ પાલતુ બિલાડીના નિધન પછી ગુમસુમ થયા : ઘરના ખર્ચને પહોંચી વળવા માટે તેમના ઘરની બ્રિટિશ સમયની ક્રોકરી વેચવા માટે કાઢી! : વનરાજના મિત્રો તથા ચાહકોએ તેમના મેડિકલ ખર્ચ માટે હવે ડોનેશન લેવાની શરૂઆત કરી : લિરિલ સાબૂની જાહેરાત લા..લાલા...લા પણ વનરાજે કમ્પોઝ કરી છે

મુંબઇ તા. ૧૬: અમિતાભ બચ્ચનની ફિલ્મ અજૂબા સહિતની અનેક ફિલ્મોમાં  સંગીત આપી ચૂકેલા જાણીતા મ્યૂઝિક ડિરેકટર વનરાજ ભાટિયાની આર્થિક સ્થિતિ આજે ઘણી જ ખરાબ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૯૨ વર્ષીય વનરાજની તબિયત ખુબ ખરાબ છે અને તેમની પાસે પૈસા પણ નથી. તેઓ મુંબમાં નેપિયન સી રોડ પર આવેલા પોતાના ઘરમાં નોકરની સાથે રહે છે.

વધતી ઉંમરને કારણે વનરાજ એકલા પડી ગયા છે. હવે તેઓ પોતાના ઘરમાં પોતાના નોકર સુજીત કામતી સાથે એકલા રહે છે. સુજીત છેલ્લાં ૧૦ વર્ષથી વનરાજનું ધ્યાન રાખે છે. વનરાજને ઘણું જ ઓછું સંભળાય છે અને ઉંમરને કારણે તેમને કંઈ જ યાદ રહેતું નથી. રિપોર્ટ પ્રમાણે, તેમની પાસે મેડિકલ ચેકઅપ કરાવવાના પૈસા ના હોવાથી તેમને કોઈ ગંભીર બીમારી છે કે નહીં, તે ખ્યાલ નથી. જોકે, તેમને ઘુંટણમાં ઘણો જ દુખાવો રહે છે. જેને કારણે તે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ જાતે જઈ શકતા નથી.

એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં વનરાજે કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી અને તેમના બેંક એકાઉન્ટમાં એક રૂપિયો પણ નથી. વનરાજના મિત્રો તથા ચાહકોએ તેમના મેડિકલ ખર્ચ માટે હવે ડોનેશન લેવાની શરૂઆત કરી છે. જોકે, આ અંગે વનરાજને કોઈ જ માહિતી નથી. જે ઘરમાં વનરાજ રહે છે, તેની દેખરેખ પણ ડોનેશનના પૈસાથી જ થઈ રહી છે. અલબત્ત, ડોનેશનમાં જેટલા રૂપિયા મળે છે, તે વનરાજનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતા નથી. ઘરના ખર્ચને પહોંચી વળવા માટે તેમના ઘરની બ્રિટિશ સમયની ક્રોકરી વેચવા કાઢી છે.

પાલતુ બિલાડીના નિધન બાદ ગુમસુમ થઈ ગયા!

એક કાર અકસ્માતમાં વનરાજની પાલતુ બિલાડી પેપ્સોનું નિધન થયું હતું. પોતાની પાલતુ બિલાડીનું અવસાન થતાં વનરાજ ઘણાં જ ઉદાસ થઈ ગયાં હતાં અને તેમની તબિયત પણ કથળી હતી. નોકરે ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું, બિલાડીના નિધન બાદ સર ઘણાં જ એકલા પડી ગયા છે. તેઓ દ્યણીવાર ઊંઘમાં બિલાડીના નામની બૂમો પાડે છે. ઉલ્લેખનીય છે કે વનરાજે લગ્ન કર્યાં નથી અને તેમના બહેન કેનેડામાં રહે છે. મુંબઈમાં તેમના કેટલાંક સંબંધીઓ રહે છે.

 એક સમયના ખુબ જાણીતા સંગીતકાર છે વનરાજ

૩૧ મે, ૧૯૨૭ના રોજ મુંબઈમાં જન્મેલા વનરાજે શ્યામ બેનેગલની ફિલ્મ તમસ, અંકુર, મંથન, ભુમિકા, મંડી તથા ઝુનુનમાં સંગીત આપ્યું હતું. તેમણે પ્રાઈવેટ આલ્બમ્સ પણ આપ્યા છે. આ ઉપરાંત તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ અજૂબા તથા નસરૂદ્દીન શાહની જાને ભી દો યારો' (૧૯૮૩)માં સંગીત આપ્યું હતું. આટલું જ નહીં લિરિલ સાબુની જાહેરખબર લા...લાલા લાલા...લાલાલા'ને પણ વનરાજ ભાટિયાએ કમ્પોઝ કરી છે.

નેશનલ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત થયેલા સંગીતકાર

૧૯૮૮માં  ફિલ્મ તમસના  સંગીત માટે વનરાજ ભાટિયાને નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ મ્યૂઝિક ડિરેકશન આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૨માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

(3:45 pm IST)