Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગુરુગ્રામમાં હની ટ્રેપમાં 40 લાખની માંગણી કરતી યુવતી ઝડપાઇ : અશ્લીલ વીડિયોના નામે બ્લેકમેઇલ કરતી હતી

એકબીજાની સહમતિથી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા બાદ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી

ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામમાં હની ટ્રેપ મામલે 40 લાખની માંગણી કરનાર એક યુવતીને પોલીસે ઝડપી લીધી છે 24 વર્ષીય યુવતી પર આક્ષેપ છે કે તેણે વાંધાજનક વીડિયો અને તસવીરોને આધાર બનાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને એક યુવક પાસેથી રૂ. 40 લાખની માંગણી કરી હતી

  . પોલીસના કહેવા પર યુવકે આ યુવતીને રૂ. એક લાખ જેટલી રોકડ રકમ આપી હતી. બાદમાં એક લાખની રકમ તેમજ બ્લેકમેઇલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલો મોબાઇલ ફોન પોલીસે યુવતી પાસેથી જપ્ત કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના બે મહિના પહેલાની છે. ગુરુગ્રામના સેક્ટર-39માં એક વેપારીની 24 વર્ષની યુવતી સાથે મુલાકાત થઈ હતી. ગુરુગ્રામ પોલીસના જનસંપર્ક અધિકારી સુભાષ બોકાને જણાવ્યું કે, "શરૂઆતની મુલાકાતો દરમિયાન યુવક અને યુવતી સારા મિત્રો બની ગયા હતા. જે બાદમાં એકબીજાની સહમતિથી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

   પીઆરઓએ જણાવ્યું કે, "એક અઠવાડિયા પછી યુવતીએ વેપારીને બોલાવ્યો હતો અને તેને ધમકી આપી હતી કે તેની પાસે બંનેના વાંધાજનક વીડિયો અને તસવીર છે. જો તેને રૂ. 40 લાખ નહીં મળે તો તેણી તેની સામે બળાત્કારનો ખોટો કેસ કરી દેશે. જે બાદમાં વ્યક્તિ સદર પોલીસ મથક પહોંચ્યો હતો અને પોલીસ કેસ દાખલ કરાવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, "સદર થાણેના એસએચઓની વડપણ હેઠળની ટીમે તપાસ દરમિયાન વ્યક્તિને રૂ. એક લાખની રકમ સાથે યુવતી પાસે મોકલ્યો હતો અને તે સ્થળે સીસીટીવી કેમેરો લગાવી દીધો હતો." યુવતી જેવી પૈસા લેવા આવી કે પોલીસે તેને રંગેહાથ પકડી લીધી હતી. જે બાદમાં યુવતીએ સ્વીકાર કર્યો હતો કે તેણી વેપારીને મોહજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવી રહી હતી.

(1:00 pm IST)