Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જમ્મુ-કાશ્મીર મામલે ગૃહમંત્રી અમિતભાઇ શાહની આગેવાનીમાં મહત્વની બેઠક

વિવિધ ગુપ્તચર એજન્સીના વડા અધિકારીઓ ,ગૃહ સચિવ ઉપરાંત નેશનલ સિક્યોરિટી એડ઼વાઇઝર અજિત દોભાલ પણ હાજર

નવી દિલ્હી : જમ્મુ કશ્મીરના મુદ્દે મહત્ત્વની ચર્ચા કરવા કેન્દ્રના ગૃહ ખાતાની એક બેઠક ગૃહ પ્રધાન અમિત ભાઈ શાહની આગેવાની હેઠળ આજે સવારે અહીં શરૂ થઇ હતી.

  સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે આ બેઠકમાં વિવિધ ગુપ્તચર એજન્સીના વડા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહ સચિવ ઉપરાંત નેશનલ સિક્યોરિટી એડ઼વાઇઝર અજિત દોભાલ પણ હાજર રહ્યા હતા.

  કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કર્યા બાદ છેલ્લાં 40 દિવસથી પાકિસ્તાન સતત સરહદો પર તોપમારો અને ગોળીબાર કરી રહ્યું છે છતાં ભારતીય લશ્કર સંયમ રાખીને બેઠું છે. અગાઉ એકવાર લશ્કરી અધિકારીઓએ કેન્દ્ર સમક્ષ એવી માગણી કરી હતી કે અમને છૂટો દોર આપો. પરંતુ ભારત સકાર એવું કોઇ ઉતાવળું પગલું લેવાના મતની નથી.

  જમ્મુ કશ્મીર રાજ્ય સરકારના પ્રવક્તા અને ભારતીય લશ્કરના પ્રવક્તાએ જણાવ્યા મુજબ હિંસાની છૂટીછવાયી ઘટના બનવા ઉપરાંત અને આતંકવાદની બે ચાર ઘટના સિવાય એકંદરે રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રવર્તી રહી હતી.

કેન્દ્ર સરકારે છઠ્ઠી ઑગસ્ટે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો નાબૂદ કરીને જમ્મુ, કશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કર્યા હતા. ત્યારથી પાકિસ્તાન અકળાયું હતું અને રોજ નિયમિત રીતે યુદ્ધતહકૂબીનો સતત ભંગ કરી રહ્યું હતું. જો કે ભારતીય લશ્કરે સતત સંયમ દાખવ્યો હતો. આજની ગૃહ ખાતાની બેઠકમાં કોઇ મહત્ત્વના નિર્ણય લેવાય એવી શક્યતા નકારી કઢાતી નથી.

(11:53 am IST)