Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કાલે નરેન્દ્રભાઇનો ૭૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

નર્મદા ડેમ પર 'નમામિ દેવી નર્મદે' મહોત્સવઃ નર્મદા ડેમે નવા નીરના વધામણા કરી માં રેવાની ઉતારશે આરતીઃ હિરાબાના આશિર્વાદ લેશે

વાપી તા. ૧૬ :.. ગુજરાતના પનોતા પુત્ર સમાન અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદીનો આવતીકાલે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. તેમના આ જન્મદિને તેમને શુભેચ્છા આપવા પરિવારજનો, સંઘ તથા ભાજપ અગ્રણીઓ, દેશના હજારો કાર્યકરો તેમજ લાખો જનતા સહિત વિશ્વના અનેક નેતાઓ આતુર બન્યા છે.

નરેન્દ્રભાઇ એટલે સંઘનો એક સામાન્ય કાર્યકર પરંતુ સુઝ-બુઝ, ઉતમ કાર્યશૈલી, નિષ્ઠા તેમજ મા સરસ્વતીની અસીમ કૃપાથી રાજયના મુખ્યમંત્રી અને હવે છેલ્લા સાડા પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન પદે સફળ શાસન કરનારા નરેન્દ્રભાઇએ આજે ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યુ છે.

આવતી કાલે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બર ર૦૧૯ ના રોજ શ્રી નરેન્દ્રભાઇ યશસ્વી કારકીર્દીના ૬૯ વર્ષ પુર્ણ કરી ૭૦ માંં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ આવો આપણે એમના જીવન ઝરમરની એક ઝલક જોઇએ.

૧૭મી સપ્ટેમ્બર ૧૯પ૦ ને રવિવારે સવારે ૧૦ કલાકે આપણા ગુજરાતના મહેસાણા પંથકના વડનગર ગામમાં માતા હીરાબાની કુખે જન્મ... વૃષિક રાશિમાં નામ રખાયુ. નરેન્દ્ર....

નરેન્દ્રભાઇ બાળપણ થી જ, સાહસિક, હોશિયાર અને તેજસ્વી હતાં. એના અનેક બનાવો આજે પણ લોકો સંભાળે છે. પ્રાથમિક શિક્ષણ વિસનગર શાળામાં મેળવ્યા બાદ વધુ અભ્યાસ અર્થે અમદાવાદ આવી અહીંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું. અને આગળ જતા દિલ્હી યુનિવર્સિટીમાંથી પોલિટીકલ સાયન્સની માસ્ટર ડીગ્રી પણ મેળવી.

પરંતુ આ વચ્ચે નરેન્દ્રભાઇએ તેમની ખરી કારકિર્દીની શરૂઆત ૧૯૬પ માં કાંકરિયા વોર્ડના જનસંઘના કાર્યકરથી કરી હતી. અમદાવાદમાં અભ્યાસ દરમ્યાન તેઓ દરરોજ સવારે આરએસએસની શાખામાં જતા હતાં. આ દરમ્યાન તેમનો સંપર્ક થયો વસંત ગજેન્દ્ર અને નાથાલાલ જેવા જનસંઘ ના સિનીયર નેતાઓનો....

નરેન્દ્રભાઇની દ્રઢ વિચારધારા અને સિધ્ધાતોને પગલે સંઘના સિનીયર નેતાઓ પ્રભાવિત થયા અને તેમને નરેન્દ્રભાઇમાં વિશ્વાસ મુકી જવાબદારીઓ સોંપવા લાગ્યા. અને થોડા જ સમયમાં નરેન્દ્રભાઇ પૂર્ણ સમયનાં પ્રચારક બન્યા.

બસ, પછી તો નરેન્દ્રભાઇ એક પછી એક સંઘની જવાબદારીઓ લેતા ગયા. અને આગળ ધપતા જ ગયા. પછી તે વિદ્યાર્થી  આંદોલન હોય કે હોય, સરકારનંુ નવનિર્માણ આંદોલન... સદા અગ્રેસર જ હોય... સમય આગળ ધપતો ગયો ૧૯૮૦ માં સંઘે નામ બદલાવી ભારતીય જનતા પાર્ટી નામ ધારણ કર્યુ. હવે નરેન્દ્રભાઇ જનસંઘ બાદ ભારતીય જનતા પાર્ટીને આગળ ધપાવવા પરિશ્રમ હાથ ધર્યો.

રાજકીય આલમની દુનિયામાં ભારતીય જનતા પાર્ટી પક્ષ એટલે જાણે નવો નિશાળિયો... પરંતુ નરેન્દ્રભાઇએ પોતાની આગવી સુઝબુઝથી પક્ષના પ્રચાર અર્થે ગુજરાતના ગામડે ગામડા ખુંદયા... ઘર ઘરે ફર્યા... નરેન્દ્રભાઇને પદનો કોઇ મોહ નહિ... પડદા પાછળ રહી કામ કરવામાં માનનારા નરેન્દ્રભાઇ પરની તમામ જવાબદારી સુપેરે પાર પાડતા રહ્યા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૮ર માંથી ૧ર૧ બેઠક મળી અને ભવ્ય જીત મેળવી અને ભાજપ સતાના સિંહાસને બિરાજયું. તેમાં નરેન્દ્રભાઇનો અમુલ્ય ફાળો હતો. ચૂંટણીના રણનિતીકાર અને  તરીકે નરેન્દ્રભાઇનું નામ ઉભરતું ગયું.

માત્ર ગુજરાત જ નહિ નરેન્દ્રભાઇને જમ્મુ-કાશ્મીર તથા પંજાબ જેવા સંવેદનસીલ, વિસ્તારોમાં પણ સંગઠનનું કામ કરવાનો અનુભવ મળ્યો. ૧૯૮૬ માં ભાજપ હાઇકમાન્ડ તેમને સંગઠન મંત્રી બનાવ્યા. ત્યારબદ ૧૯૯પ માં રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બન્યા...

નરેન્દ્રભાઇ એક પછી એક તમામ જવાબદારીઓ સુપેરે પાર પાડી આગળ ધપતા જ ગયા. એટલું જ નહિ પક્ષના કાર્યકરો અને પક્ષના અગ્રણીઓ જોડે તાલમેલ પણ એટલો જ રાખતા ગયા.

કહેવાય છે ને કરેલું, કાંઇ ફોગટ જતું નથી... જાણે નરેન્દ્રભાઇની વર્ષોની મહેનતનું ફળ મળ્યું હોય તેમ અચાનક તેમના જીવનમાં એક વળાંક આવ્યો... ગુજરાતની ભાજપની રાજકીય પરિસ્થિતિ બદલાતા હાઇકમાન્ડે ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઇને સોંપવાનો નિર્ણય કર્યો.

સ્વપ્ને પણ કોઇને ખ્યાલ ના હોય એવી ઘટના બની ૭ મી ઓકટોબર ર૦૦૧ ના રોજ નરેન્દ્રભાઇએ ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા... એટલું જ નહિ રાજકોટ-ર ની બેઠક ઉપરથી ઝંપલાવી ભવ્ય જીત મેળવી. અને ખરા અર્થમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા....

પ્રારંભે જ પડકાર.... વિપક્ષ તો બાજુએ રહ્યો પક્ષમાં જ ચરમસીમાએ વિરોધ... આંતરિક વિખવાદ... આ સ્થિતીમાં નરેન્દ્રભઇએ શાસનની ધુરા સંભાળી. અહીં કામ આવ્યો એમનો અનુભવ. અને અહીં કામ આવી એમની સુઝબુઝ... તેઓ શરૂઆતમાં તેલ અને તેલની ધાર જોતા ગયા. અને સ્થિતિ અનુસાર નિર્ણયો લઇ વિરોધીઓને કદ મુજબ વેતરતા ગયા.

કોને કાપવા અને કોને આગળ ધપાવવા એમાં નરેન્દ્રભાઇ માહેર હતાં. વિરોધીઓના જુથને જાણે કદ પ્રમાણે વેતરતા ગયા. ગુજરાતની પ્રજાની નાડ પારખી લીધી... સતત અગ્નિ પરીક્ષામાંથી પસાર થતા ગયા અને હરિફોને હંફાવી સતત, આગળ ધપતા જ ગયા. પ્રજાલક્ષી અનેક અવનવી યોજનાઓ લાવી ગુજરાતની પ્રજાના દિલ જીતી લીધા. ગુજરાતમાં સૌથી વધુ શાસન, કરનાર મુખ્યમંત્રી સહિતના અનેક વિક્રમો પોતાના નામે અંકિત કર્યા.

વાઇબ્રન્ટ સમિટ જેવી કેટલીક યોજનાઓ દ્વારા નરેન્દ્રભાઇએ ગુજરાતનું નામ માત્ર ભારત જ નહિ વિશ્વના અનેક દેશોમાં ગુંજતું કર્યુ અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ તેમની યોજનાઓની કોપી કરવા લાગ્યા.

ઉત્તમ વિઝન અને દીર્ધદ્વારા એવા નરેન્દ્રભાઇને હવે ગુજરાત નાનું લાગવા લાગ્યું...!  હવે તેમની નજર હતી. દિલ્હીના સિંહાસન ઉપર...! અશકય લાગતી આ વાતનું સ્વપ્ન તેણે જોયું... માત્ર સ્વપ્ન જ જોયું નહિ. એ સ્વપ્નને સાકાર કરવા કર્યો અથાગ પરિશ્રમ...

પોતાના જ પક્ષમાં અન્ય સીનીયર નેતાઓનો બદલે પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા એ કાંઇ નાની સુની વાત નહતી... એટલું જ નહિ દેશના અન્ય રાજયોના આવા ધુરંધર નેતાઓ સામે હતાં.... આ કાંઇ ગુજરાતની ધુરંધર નેતાઓ સામે હતાં... આ કંઇ ગુજરાતની ચૂંટણી ના હતી. આ તો હતી ભારતની લોકસભાની ચૂંટણીની વાત...

નરેન્દ્રભાઇ પક્ષના વડાપ્રધાન તરીકે પણ જાહેર થયા. એટલું જ નહિ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી પણ તેમના નેતૃત્વ હેઠળ લડાઇ. ના રાત જોઇ કે ના દિવસના ઉંઘની પરવા કરી કે ના રાખી સ્વાસ્થ્યની સંભાળ... બસ, અર્જુન જેવું એક જ લક્ષ્ય... ચૂંટણી જીતીને ભાજપને ગાદી અપાવવી.

અને ખરેખર નરેન્દ્રભાઇ અને તેમની ટીમની મહેનત રંગ લાવી દેશની કરોડો જનતા એ પણ તેમના ઉપર વિશ્વાસ મુકી એક નવી આશાના કિરણ સાથે અદ્ભુત વિજય અપાવ્યો. અને નરેન્દ્રભઇ પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા. ફરી એકવાર ૧૪ વર્ષ બાદ ર૦૦૧ ની સ્થિતી નરેન્દ્રભાઇ સામે આવી...

નવી ક્ષિતિજો પરંતુ સામે નવા પડકારો... ત્યારે તો માત્ર ગુજરાત હતું. હવે હતું આખું ભારત... પક્ષમાં પણ આંતરિક નારાજગી અને વિપક્ષની તો વાત જ શું પુછવી... રાષ્ટ્રીય સમસ્યાઓની સાથે સાથે આંતર રાષ્ટ્રીય સમસ્યાઓની ભરમાર... કેટલાય ને લાગતું હતું કે ભલે વડાપ્રધાન બન્યા હોય પરંતુ લાંબુ નહિ ખેંચી શકે...

પરંતુ આ તો ન.મો. નમાવે પરંતુ નમે નહી... વડાપ્રધાન પદના પાંચ વર્ષનો શાસનકાળ કયાં પુરો થયો કોઇને ખબર પણ ના પડવા દીધી. અને આ શાસનકાળ દરમ્યાન જ નોટબંધી અને જીએસટી જેવા ઐતિહાસિક નિર્ણયો અમલમાં મુકયા.

રાષ્ટ્રીય સાથે સાથે આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે પણ નામના મેળવતા ગયા. પાકિસ્તાન ઉપર હવાઇ સર્જીકલ સ્ટ્રાઇક કરી જાણે પ્રજાના દિલોમાં છવાઇ ગયા. અને આવી ગઇ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી...

આ વખતે તો મોદી નહિ જ આવે ચોમરે એક જ ચર્ચા, નોટબંધી અને જીએસટી થી પ્રજા અને વ્યાપારીઓ પણહતા નારાજ.. પરંતુ પ્રજાજનોએ પણ જાણે સ્વીકાર્યુ કે ભલે દવાના કડવા ડોઝ આપે પરંતુ રોગને જડમુળડથી ડામી શકે તેમ હોય તો.. છે, એક માત્ર મોદી...

ફરી એકવાર પ્રજાએ નરેન્દ્રભાઇ ઉપર અતુટ વિશ્વાસ મુકી ખોબે ખોબે મતો આપી ગત ચૂંટણીના પ્રમાણમાં વધુ સીટી આપી ભવ્ય વિજય અપાવ્યો. બસ, હવે તો જોવું જ શું રહ્યું....

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ પણ પ્રજાને પોતા ઉપર મુકેલા આ વિશ્વાસને પુરવાર કરવા અથાગ પરિશ્રમ હાથ ધર્યો છે. ગરીબ અને પછાત પ્રજાને કલ્યાણ અર્થે નીત નવી યોજનાઓ લાવી અનેક સવલતો પુરી પાડે છે. આ વેળાએ માત્ર ૧૦૦ દિવસમાં અનેક મહત્વના કાર્યો પાર પાડયા છે.

હાલમાં જ અતિ મહત્વનો નિર્ણય એવો જમ્મુ-કાશ્મરીમાંથી ૩૭૦ ની કલમ એક ઝાટકે હટાવી માત્ર જમ્મુ-કાશ્મીર કે ભારત ને જ નહિ વિશ્વના અનેક દેશોને ચોંકાવી દીધા. સામાન્ય એવી વાતમાં જયાં પથ્થરમારો કે ગોળીઓની રમઝટ બોલતી ત્યાં આવડા મોટા નિર્ણય બાદ પણ સૌનસ શાંત થઇ બેસી રહેવા ઘડી રણનિતિ...

એટલું જ નહિ ઉપરોકત મુદે પાકિસ્તાને વિશ્વના અનેક દેશો સમક્ષ કાગારોળ મચાવી પરંતુ એકપણ દેશ મચક ના આપી એ જ બતાવે છે... નરેન્દ્રભાઇની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે તાકાતનો પરચો... અમેરિકા હોય કે હોય ચીન - રશિયા હોય કે જાપાન કે પછી હોય યુએઇ તમામ દેશોને સાથે રાખી તાલમેલ બેસાડવો શું એ નાની-મોટી વાત છે...?

સામાન્ય રીતે નરેન્દ્રભાઇ પોતાના જન્મદિને માતા હીરાબાના આર્શીવાદ અવશ્ય લે છે. આ જન્મદિન વેળાએ પણ નરેન્દ્રભાઇ, ગુજરાતના પ્રવાસે આવનાર હોવાની માહિતી સાંપડે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ જન્મ દિવસના એક દિવસ પહેલા એટલે કે આજે ૧૬ મી સપ્ટેમ્બરની રાત્રે ગુજરાત આવી પહોંચશે. તેઓ આજે રાત્રે ૧૧ કલાકે અમદાવાદ ના સરદાર પટેલ આંતર રષ્ટ્રીય મથકે આવી પહોંચશે.

અને આવતીકાલે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિને સવારે માતા હીરાબાના આર્શીવાદ લઇને સીધ્ધ સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચશે. ત્યાં નર્મદાના નવા નીરના વધામણા કરી મા રેવા ની આરતી ઉતારશે.

આવતી કાલે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક ૧૩૮.૬૮ મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ પણે ભરી ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇને જન્મદિવસની ભેટ આપશે... અને ખરેખર આવતીકાલનો આ દિવસ એટલે કે ૧૭ મી સપ્ટેમ્બર ર૦૧૯ નો દિવસ ગુજરાત માટે ઇતિહાસ બની જશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ જન્મદિને 'અકિલા' પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ...

(11:02 am IST)