Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મધ્યપ્રદેશમાં એક વૃધ્ધનાં માથામાં ઉગી નીકળ્યું શિંગડુ

ભોપાલ, તા.૧૬: શિંગડાં તો પ્રાણીઓના માથા પર જોવા મળતા હોય છે પણ જો આ શિંગડાં કોઈ મનુષ્યના માથા પર જોવા મળે તો? વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશમાં રહેતા એક વૃદ્ઘ વ્યકિતના માથા પર શિંગડું જોવા મળ્યું છે. માથામાં શિંગડું નીકળી આવવાથી આ દર્દી હેરાન થઈ રહ્યો હતો માટે તેણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.

આ પીડિત વ્યકિતનું નામ શ્યામ લાલ યાદવ છે અને તે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહે છે. ઈન્ડિયા ટૂડેમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ દર્દીએ જણાવ્યું કે કેટલાંક વર્ષો પહેલા તેના માથા પર ઈજા પહોંચી હતી કે જે ઈલાજ બાદ ઠીક થઈ ગઈ હતી. પણ, કેટલાંક દિવસોથી તેના માથા પર શિંગડાં જેવી કોઈ વસ્તુ જોવા મળી રહી હતી. જે દિવસે-દિવસે મોટી થઈ રહી હતી. ડોકટરોએ એવું પણ જણાવ્યું કે આ બીમારીને sebaceous hornના નામથી પણ ઓળખવામાં આવે છે.

પીડિતે જણાવ્યું કે આ કારણે તેના માથામાં પીડા થાય છે અને માટે હવે તેણે ઓપરેશન કરાવીને આ શિંગડાં જેવી વસ્તુને દૂર કરવાનો નિર્ણય લીધો, હવે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સર્જરી બાદ ડોકટરે તેના માથામાં જોવા મળતી આ શિંગડાં જેવી વસ્તુને દૂર કરી છે. ડોકટરે જણાવ્યું કે એકસ-રેમાં તપાસ કરતા ધ્યાનમાં આવ્યું હતું કે શિંગડાં જેવી આ વસ્તુ દર્દીના માથામાં ઊંડે સુધી નથી. તેમણે કહ્યું કે આ કેસને મેડિકલ સંબંધિત ઈન્ટરનેશનલ જર્નલમાં મોકલવામાં આવશે.

(9:58 am IST)