Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકોઃ પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે

સાઉદી કંપની ઉપર હુમલો થયા બાદ આજે ક્રૂડના ભાવમાં ૧૦ ટકાથી વધુનો વધારો નોંધાયોઃ ક્રૂડનો ભાવ ૪ મહિનાની ટોચેઃ ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશેઃ સાઉદી કંપનીમાં ક્રૂડનું ઉત્પાદન બહાલ કરવા પ્રયાસોઃ ફરી ઉત્પાદન શરૂ કરતા સમય લાગશેઃ ક્રૂડનો ભાવ ૬૦.૪૬ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો જ્યારે બ્રીન્ટ ક્રૂડ ૬૮.૦૬ ડોલર પ્રતિ બેરલ થયું

નવી દિલ્હી, તા. ૧૬ :. વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરેબીયાની અરામકા ઉપર થયેલા વિદ્રોહી હુમલા બાદ દુનિયાભરમાં ક્રૂડના ભાવમાં અસર જોવા મળી છે. ઓઈલ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ૧૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થાય તેવી શકયતા છે.

ક્રૂડના ભાવ છેલ્લા ૪ મહિનાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે શરૂઆતમાં બ્રીન્ટ ક્રૂડનો ૧૯ ટકા વધીને ૭૧.૯૫ ડોલર પ્રતિ બેરલ થયો હતો. જ્યારે અન્ય પ્રમુખ બેન્ચમાર્ક વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડીયેટ ૧૫ ટકા વધીને ૬૩.૩૪ ડોલર થયુ હતું. હોંગકોંગમાં બ્રીન્ટ ક્રૂડ ૧૧.૭૭ ટકા વધી ૬૭.૩૧ ડોલર થયો છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે તે નક્કી છે. મળતા અહેવાલો મુજબ અરામકોના યુનિટ બંધ થવાથી ક્રૂડના ભાવમાં ૧૦ ડોલર એટલે ૭૧૦ રૂ. સુધીનો વધારો થયો છે. અત્રે એ નોંધનીય છે કે હુમલા બાદ સાઉદી કંપનીમાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયુ હતું. પહેલા જેટલુ ઉત્પાદન શરૂ થવામાં થોડો સમય લાગે તેમ છે. સાઉદીની આ કંપની વિશ્વની રોજની ૫ ટકા જેટલી જરૂરીયાત પુરી કરે છે. જો કે ભારતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિત રહ્યા છે પરંતુ ગમે ત્યારે તેમ ભડકો થવાની શકયતા છે. સાઉદી અરામકોના અધ્યક્ષ આમીન નાસિરના કહેવા મુજબ ઉત્પાદન બહાલ કરવાનુ કામ ચાલુ છે અને ૪૮ કલાકમાં તેની માહિતી બહાર પાડવામાં આવશે. છેલ્લા મળતા અહેવાલો મુજબ અમેરિકી ક્રૂડ ઓઈલ ૫.૬૧ ડોલર પ્રતિ બેરલ એટલે કે ૧૦.૨ ટકા વધી ૬૦.૪૬ ડોલર પ્રતિ બેરલ થયો છે. જ્યારે બ્રીન્ટ ક્રૂડ ૭.૮૪ ડોલર પ્રતિ બેરલ વધીને એટલે કે ૧૩ ટકા વધીને ૬૮.૦૬ ડોલર પ્રતિ બેરલ થયો છે.

(10:59 am IST)