Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નવેમ્બર બાદ રામ મંદિરના નિર્માણનું કામ શરૂ : સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ રામલલ્લાના દર્શન કર્યા : હિન્દુઓના અધિકારો મુસ્લિમોની સંપત્તિના અધિકારોથી ઉપર છે જેથી સંપત્તિના અધિકારના દાવાને ફગાવી દેવાશે

અયોધ્યા,તા.૧૫ : ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ૮૦માં જન્મદિવસના પ્રસંગે અયોધ્યા પહોંચીને રામલલ્લાના દર્શન કર્યા છે. આ પ્રસંગે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, નવેમ્બર મહિના બાદ શ્રદ્ધાળુઓને રામલલ્લાના દર્શન કરવામાં કોઇપણ સમસ્યા આવશે નહીં. સ્વામીએ દાવો કર્યો હતો કે, રામ મંદિર નવેમ્બર મહિના બાદ બનવાની શરૂઆત થઇ જશે. રાજ્યસભા સાંસદે કહ્યું હતું કે, હિન્દુઓના મૂળભૂત અધિકાર મુસ્લિમોની સંપત્તિના અધિકારથી ઉપર છે જેથી જે પણ સંપત્તિના અધિકારની વાત કરશે તેને સર્વોચ્ચ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવશે. રામલલ્લાના દર્શન કર્યા બાદ સ્વામી શહેરના પ્રમોદવનમાં સ્થિત કાંચી કામકોટી મંદિરની શાખામાં પહોંચ્યા હતા જ્યાં ધાર્મિક વિધિ પણ કરી હતી. સ્વામીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પણ આદેશ આપતી વેળા આ બાબતની નોંધ લેશે કે કયો એવો આદેશ રહેશે જે સરકાર, દેશ માનશે અને અન્યાયપૂર્ણ રહેશે નહીં. આ ત્રણેય બાબતો અમારી પાસે રહેલી છે. એક વખતે મંદિર બની ગયા બાદ ત્યાંથી તેને કોણ દૂર કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિવાદાસ્પદ ક્ષેત્રમાં મોટાભાગની જમીન સરકારની પાસે રહેલી છે. તેના રાષ્ટ્રીયકરણ કરીને રાખવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, અધિગૃહિત જમીન પર સરકારનો અધિકાર રહેલો છે. સરકારે પહેલાથી જ કહેલું છે કે, નિર્ણય આવી ગયા બાદ જ આ મામલામાં આગળ વધવામાં આવશે. આ પહેલા ગઇકાલે પણ સ્વામીએ કહ્યું હતું કે, અમે જ્યારે ઇચ્છીએ ત્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ શરૂ કરી શકીએ છીએ. વિવાદ માત્ર ૦.૩ એકર જમીનનો છે.

      બાકી ૬૭.૪ એકર જમીનનો ક્ષેત્ર કોઇપણ પ્રકારના વિવાદમાં નથી જેના પર મંદિરનું નિર્માણ કરવામાં આવી શકે છે. સ્વામીનું કહેવું છે કે, આ વિવાદાસ્પદ ક્ષેત્રને કેન્દ્ર સરકારના કબજામાં લઇ લેવામાં સફળતા મળી ચુકી છે. આવી સ્થિતિમાં જ્યાં રામલલ્લા વિરાજમાન છે તેની વચ્ચે જ વિવાદાસ્પદ ક્ષેત્ર છે. કેન્દ્ર સરકાર બિનવિવાદાસ્પદ જમીનને મંદિરના નિર્માણ માટે ન્યાસને સોંપીને મંદિર નિર્માણનું કામ શરૂ કરાવી શકે છે પરંતુ અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીને જ આગળ વધવા ઇચ્છુક છીએ. આ કારણસર કોર્ટના ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે.

(12:00 am IST)