Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પાકિસ્તાન દ્વારા ૨૦૫૦ વાર યુદ્ધવિરામનો કરાયેલો ભંગ

પાકના ઉશ્કેરણીજનક કૃત્યથી વિસ્ફોટક સ્થિતિ :પાકિસ્તાનના યુદ્ધવિરામના ભંગ બાદ ગોળીબારોમાં ૨૧ ભારતીયોના મોત થયા છે : ભારતીય સેના સંપૂર્ણ સજ્જ

નવીદિલ્હી,તા.૧૫ : ભારતે આજે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાને આ વર્ષમાં હજુ સુધી યુદ્ધવિરામનો ભંગ કરીને બિન ઉશ્કેરણીજનકરીતે ૨૦૫૦ વખત ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન ભારત સાથે સરહદ ઉપર વધારાના જવાનો તૈનાત કરવામાં વ્યસ્ત છે. આ પ્રકારના અહેવાલ આવ્યા બાદથી ભારત તરફથી યુદ્ધવિરામ અંગે અહેવાલ જારી કરવામાં આવ્યા છે. નિવેદનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, ભારતે વારંવાર પાકિસ્તાનને ૨૦૦૩ની યુદ્ધવિરામ ભંગના સંદર્ભમાં અમલી કરવામાં આવેલી સમજૂતિને પાળવા કહ્યું છે. સાથે સાથે અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવા માટે પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ભારતીય દળો દ્વારા પુરતા પ્રમાણમાં સંયમ જાળવીને પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ઉશ્કેરણીજનક કૃત્યોનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સરહદમાં આતંકવાદીઓને ઘુસવાડના પ્રયાસો પાકિસ્તાન તરફથી સતત થઇ રહ્યા છે.

          કલમ ૩૭૦ની નાબૂદી બાદથી પાકિસ્તાન અવિરતપણે ખતરનાક હરકત કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના દ્વારા તેના બે જવાનોના મૃતદેહ લઇ જવા માટે હાલમાં જ સફેદ ધ્વજ દર્શાવ્યો હતો. ૧૩મી સપ્ટેમ્બરના દિવસે પાકિસ્તાને આ મુજબની વાત કરી હતી. બીજી બાજુ પાંચ બોર્ડર એક્શન ટીમના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડોના મૃતદેહ હાલમાં જ લઇ જવામાં આવ્યા હતા. જુલાઈના છેલ્લા સપ્તાહમાં ઘુસણખોરીના પ્રયાસો કરનાર પાકિસ્તાનના જવાનો માર્યા ગયા હતા પરંતુ આ જવાનોના મૃતદેહના સંદર્ભમાં પાકિસ્તાને હજુ સુધી દાવો કર્યો નથી. બીજી બાજુ નોર્થન કમાન્ડના કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરસિંહ દ્વારા અંકુશરેખા ઉપર સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી છે.

             પાકિસ્તાન તરફથી અવિરતપણે હુમલા કરવાની વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ આર્મી વડા બિપિન રાવતે અંકુશરેખા ઉપર ભારતની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવા મુલાકાત પણ લીધી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ પાકિસ્તાને અંકુશરેખાથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે સ્થિત વિસ્તારમાં બ્રિગેડ કદના ફોર્સની તૈનાતી કરી દીધી છે. સાથે સાથે મોટી સંખ્યામાં જવાનો પણ ગોઠવી દીધા છે. જે સંકેત આપે છે કે, પાકિસ્તાન અવિરતપણે ઉશ્કેરણીજનક કૃત્ય કરવા ઇચ્છુક છે. હાલમાં જ પાકિસ્તાન તરફથી ભારતને વારંવાર હુમલાની ચેતવણી અને ધમકી આપવામાં આવી છે. જો કે, પાકિસ્તાન દ્વારા આ પ્રકારની ધમકીને લઇને ભારતે કોઇપણ પ્રતિક્રિયાઓ આપી નથી પરંતુ ભારત સરહદને લઇને સંપૂર્ણપણે સાવચેત છે.

(12:00 am IST)
  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST