Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભારત સાથે યુદ્ધમાં પાકિસ્તાન જીતી શકે નહીં : ઇમરાન ખાન

પરમાણુ યુદ્ધની ફરીવાર ખુલ્લી ધમકી આપી : પાકિસ્તાન કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ ખુબ પરેશાન : બિનજરૂરીરીતે નિવેદનનો દોર યથાવત જ જારી

ઇસ્લામાબાદ, તા. ૧૫ : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ભારે લાલઘૂમ થયેલું છે. તેના દ્વારા વારંવાર યુદ્ધની ધમકીઓ આપવામાં આવી રહી હોવા છતાં ભારત દ્વારા તેના તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતે કબૂલાત કરી છે કે, તે ભારત સાથે કોઇ કિંમતે યુદ્ધ જીતી શકવાની સ્થિતિમાં નથી. પરમાણુ યુદ્ધની વાત કરતા ઇમરાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાન પારમ્પરિક યુદ્ધ ભારત સામે હારી શકે છે પરંતુ આવી સ્થિતિમાં પરિણામ ગંભીર રહેશે. ઇમરાને પરમાણુ યુદ્ધની ધમકી ફરી એકવાર આપી દીધી છે. એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને પરમાણુ ખતરાના સવાલ પર કહ્યું હતું કે, આમા કોઇપણ ભ્રમની સ્થિતિ નથી. પાકિસ્તાન ક્યારે પણ પરમાણુ યુદ્ધની શરૂઆત કરશે નહીં. તેઓ શાંતિમાં માને છે. જંગની વિરુદ્ધમાં છે. કોઇપણ સંઘર્ષથી સમસ્યાઓના ઉકેલ આવશે નહીં.

      યુદ્ધના અનઅપેક્ષિત પરિણામો જોવા મળે છે. વિયેતનામ, ઇરાન અને ઇરાકની યુદ્ધની સ્થિતિ અમે જોઈ ચુક્યા છે. અહીં રક્તપાતના કારણે કોઇ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે કહ્યું હતું કે, ભારત આ બાબત ધ્યાનમાં લે કે, પાકિસ્તાનની પાસે જંગી એટમબોંબ રહેલા છે જે કોઇપણ ખાસ વિસ્તારને ટાર્ગેટ બનાવી શકે છે. ત્યારબાદ સોશિયલ મિડિયા પર લોકોએ ખુબ મોજમસ્તી કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ લાંબા સમયથી રહેલી છે પરંતુ હાલમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાન દ્વારા અવિરતપણે ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. પરમાણુ યુદ્ધને લઇને પણ બિનજરૂરી ચેતવણી આપવામાં આવી રહી છે. ઇમરાન ખાન વારંવાર મિસાઇલ ક્ષમતા અને પરમાણુ યુદ્ધની પરોક્ષરીતે વાત કરતા રહ્યા છે.

(12:00 am IST)