Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અજીત વાડેકરે સચિન તેંડુલકર પાસે ઇનિંગની શરૂઆત કરાવી અને તે મેચમાં સચિને ૪૯ બોલમાં ૧પ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૮૨ રન ફટકાર્યા હતા

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અજીત વાડેકરનું બુધવારના રોજ મુંબઈમાં નિધન થઈ ગયું. 77 વર્ષીય વાડેકર પાછલા થોડાક મહિનાથી ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈના જસલોક હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

અજીત વાડેકરે ભારતને કેપ્ટન તરીકે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ પ્રવાસો દરમિયાન જીત અપાવી હતી. 1974માં ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી પણ તેમણે ક્રિકેટનો સાથ નહોતો છોડ્યો. તે ભારતીય ક્રિકેટ માટે સારા એડમિનિસ્ટ્રેટર પણ સાબિત થયા. તે ટીમ ઈન્ડિયાના મેનેજર, કોચ અને ટીમ સિલેક્ટર પણ રહ્યા.

ટીમ ઈન્ડિયાના અનેક પ્લેયર્સના કરિયર પાછળ તેમનો મહત્વનો ફાળો છે. તેમાં એક નામ છે, ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર. ટીમ મેનેજર તરીકે વાડેકરે લીધેલા એક નિર્ણયને કારણે સચિનના કરિયરનો આખો ગ્રાફ બદલાઈ ગયો.

1993-94માં ટીમ ઈન્ડિયા મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશિપમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ગઈ હતી. ટીમ સાથે અજીત વાડેકર મેનેજર તરીકે ગયા હતા. તે સમયે તે ટીમના કોચ પણ હતા. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ દરમિયાન બીજી મેચ પહેલા ઓપનિંગ બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધુને ઈજા થઈ.

વાડેકર વિચારતા હતા કે હવે ઈનિંગની શરુઆત કોની પાસે કરાવવામાં આવે. ત્યાં હાજર સચિને પુછ્યું કે, શું ઈનિંગની શરુઆત હું કરુ? કપિલ અને અઝહરે વાતની હા પાડી દીધી અને વાડેકરે ઈનિંગની શરુઆત સચિન પાસે કરાવવાનો નિર્ણય લીધો. પછી જે થયું તે ઈતિહાસ બની ગયો. 27 માર્ચના રોજ ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં સચિને અજય જાડેજા સાથે ઈનિંગની શરુઆત કરી. તે મેચમાં સચિને 49 બૉલમાં 82 રન આપ્યા હતા. પારીમાં તેણે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

(6:19 pm IST)