Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અલવિદા અટલજી

ભારત રત્‍ન-પદ્મવિભૂષણ-પૂર્વ વડાપ્રધાન-કવિ-પત્રકાર-ભાજપના જન્‍મદાતા-મહાન રાજનેતાનું મહાપ્રયાણઃ દેશભરમાં શોકનું મોજ : ૧૧ જૂનથી હોસ્‍પીટલમાં સારવાર હેઠળ હતાઃ ૨૫ ડીસેમ્‍બર ૧૯૨૪ના રોજ જન્‍મેલા અટલજીએ આજે બપોરે એમ્‍સમાં અંતિમ શ્વાસ લીધાઃ છેલ્લા ૨૪ કલાકથી તબિયત લથડી હતી

નવી દિલ્‍હી, તા. ૧૬ :. દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના જન્‍મદાતા એવા લોકલાડીલા નેતા અટલ બિહારી વાજપેઈનું આજે દુઃખદ અવસાન થયુ છે. લાંબા સમય સુધી બિમાર રહ્યા બાદ આજે બપોરે તેમણે એમ્‍સ ખાતે અંમિત શ્વાસ લીધા હતા. અટલજીના હુલામણા નામથી ઘેર ઘેર જાણીતા એવા આ રાજપુરૂષના નિધનથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્‍યુ છે. તેઓ ૯૩ વર્ષના હતા અને ૩ વખત વડાપ્રધાન પદ પર બિરાજમાન થયા હતા.

ભારત રત્‍ન, પદ્મવિભૂષણ સહિતના એવોર્ડ જેમને મળેલા છે એવા અટલજી ભારતીય રાજનીતિમાં છેલ્લા ૫૦ વર્ષથી સક્રીય રહ્યા હતા. અટલજી જેવા નેતા હોવા એ દેશ માટે ગર્વની વાત હતી. છેલ્લા ૫ દાયકાથી સંસદમાં સક્રીય રહેલા અને ૪ અલગ અલગ પ્રદેશથી સાંસદ તરીકે ચૂંટાયેલા તેઓ એક માત્ર નેતા હતા. અટલજી ભારતની આઝાદી પહેલા રાજનીતિમાં આવ્‍યા હતા અને તેમણે ગાંધીજીની સાથે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેમણે અનેક વખત જેલવાસ પણ ભોગવ્‍યો હતો.

અટલજી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમનો જન્‍મ ૨૫ ડીસેમ્‍બર ૧૯૨૪ના રોજ મધ્‍ય પ્રદેશમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમા થયો હતો. તેઓ ૧૯૪૨માં રાજનીતિમાં આવ્‍યા હતા. તેમણે જનસંઘની રચના કરી હતી અને તેઓ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી રહ્યા હતા. તેમણે યુનોમાં હિન્‍દી ભાષામાં પ્રવચન આપ્‍યુ હતું. વાજપેઈ ૩ વખત વડાપ્રધાન રહ્યા હતા. ૧૯૯૬માં વડાપ્રધાન બન્‍યા અને ૧૩ દિવસ સરકાર રહી હતી. ૧૯૯૮માં તેઓ બીજી વખત વડાપ્રધાન બન્‍યા હતા અને સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્‍યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો. પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પુરો કરનાર તેઓ પહેલા બીનકોંગી વડાપ્રધાન હતા.

વાજપેઈના શાસનકાળ દરમિયાન અનેક મહત્‍વપૂર્ણ ઘટનાઓ બનવા પામી હતી. જેમા કારગીલ યુદ્ધ, દિલ્‍હી-લાહોર બસ સેવા, સંસદ પર ત્રાસવાદી હુમલો, ગુજરાતના રમખાણો વગેરે હતા. વાજપેઈના કાર્યકાળમાં જ ભારતે પોખરણમાં પરમાણુ ધડાકો કર્યો હતો. વાજપેઈને ૧૯૯૨માં પદ્મવિભૂષણનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. ૨૦૧૫માં તેઓને ભારત રત્‍ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો.

ભારતીય રાજનીતિના ભીષ્‍મપિતામહ ગણાતા અટલજી ઉત્તર પ્રદેશ, મધ્‍ય પ્રદેશ, ગુજરાતથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

(5:51 pm IST)