Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મૈસૂર સિલ્ક સાડી ખરીદવા બતાવવું પડશે આધાર કાર્ડ : કિંમત જાણી ચોંકી ઉઠશો

બેંગ્લોર તા. ૧૬ : અત્યાર સુધી બેંક અકાઉન્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા વિશે તો તમે ઘણુંય સાંભળ્યું હશે. ત્યાં સુધી કે આઈટી રિટર્ન ભરવા પણ આધાર કાર્ડ નંબર આપવો પડે છે. જોકે, આટલું પૂરતું ન હોય તેમ હવે દેશમાં એક જગ્યાએ તો તમારે સાડી ખરીદવી હોય તો તેના માટે પણ આધાર કાર્ડ બતાવવું પડે છે.

હવે તમને એમ થશે કે વળી ૫૦૦-૧૦૦૦ રુપિયાની સાડી ખરીદવા શેનું આધાર કાર્ડ બતાવવાનું? જોકે, જે સાડી માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયું છે તે ઘણી કિંમતી છે, અને તેની કિંમત સાંભળીને તો સામાન્ય માણસને કદાચ ચક્કર જ આવી જાય. આ સાડી માત્ર કર્ણાટકમાં જ મળે છે, અને તેને કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા બનાવાય છે.

આ સાડીની કિંમત ૫૦ કે ૬૦ હજાર રુપિયાથી પણ વધુ હોઈ શકે છે. જોકે, ૧૫ ઓગસ્ટ અને ૨૪ ઓગસ્ટના રોજ આ સાડીઓનો સેલ હોય છે. જે મહિલાઓ મૈસૂર સિલ્ક સાડીની ખૂબ જ શોખીન હોય, પરંતુ તેને ખરીદી શકે તેમ ન હોય તેમના માટે ખાસ આ સેલ યોજાય છે.

વર્ષમાં બે દિવસ થતા આ સેલમાં સાત હજાર રુપિયા સુધીની કિંમતની સાડી ૪૦૦૦ રુપિયામાં વેચવામાં આવે છે. જયારે કર્ણાટકના તહેવાર વરમહાલક્ષ્મી (૨૪ ઓગસ્ટ)ના દિવસે ૧૫,૦૦૦ રુપિયા સુધીની કિંમત ધરાવતી આ સાડી ૪૦૦૦ રુપિયામાં વેચવામાં આવે છે. આ સેલમાં જેને પણ સાડી ખરીદવી હોય તેને પોતાની સાથે આધાર કાર્ડ પણ લઈને આવવું ફરજિયાત છે. જો તમારે જેન્યુઈન મૈસૂર સિલ્ક સાડી ખરીદવી હોય તો કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની વેબસાઈટ http://www.ksicsilk.com/ પરથી પણ આ સાડીઓ ખરીદી શકો છો. તમે જોઈ શકશો કે અહીં કેટલીક સાડીઓની કિંમત તો ૬૦,૦૦૦ રુપિયા કરતા પણ વધારે છે.

(4:31 pm IST)