Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અમેરિકન ડોલરની સરખામણીએ ૭૦.૩૨ના નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો

તુર્કીની અસર ભારતમાં : સોમવારથી સતત રૂપિયામાં નબળાઇ : વિપક્ષે સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હી તા. ૧૬ : ડોલરની સરખામણીએ રૂપિયો ગુરૂવારે ૭૦.૩૨ના રેકોર્ડબ્રેક નીચલા સ્તરે પહોંચી ચૂકયો છે. મંગળવારે પહેલીવાર ડોલરની સરખામણીએ રૂપિયો ૭૦ના નીચલા સ્તરે આવી ગયો હતો. આ પહેલા સોમવારે રૂપિયો ૬૯.૯૩ના આંકડે પહોંચ્યો હતો. બુધવારે સ્વતંત્રતા દિવસ હોવાથી બજાર બંધ હતું.

તુર્કીની કરંસી લીરાની વેલ્યૂમાં ભારે ઘટાડો આવ્યા બાદ વિકાસશીલ દેશોના ચલણમાં નબળાઈ આવી છે. જેની લપેટમાં સોમવારે રૂપિયો પણ આવી ગયો. આ દિવસે રૂપિયો ૫ વર્ષના તળિયે હતો. રૂપિયામાં ૧.૫૮ ટકાની પડતી થતાં ૬૮.૯૩ના રેકોર્ડ લો લેવલ પર પહોંચ્યો હતો.

તુર્કીથી મેટલ ઈમ્પોર્ટર અમેરિકા દ્વારા બે ગણી ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાના નિર્ણય બાદ ફોરેકસ માર્કેટમાં ભૂકંપ આવ્યો છે. તુર્કીની કરંસી લીરાની હાલત પહેલાથી જ ખરાબ હતી અને હવે નીચલા સ્તરે નવો રેકોર્ડ બનાવી રહી છે. આ વર્ષે લીરાની કિંમતમાં લગભગ ૪૦ ટકા ઘટાડો થયો છે. આની અસર સોમવારે ભારતીય રૂપિયા પર પણ પડી જે હજુ સુધી ચાલુ છે. એવી અટકળો હતી કે, વેચાવલી ઝડપી હોવાના કારણે રિઝર્વ બેંકે રૂપિયાની પડતી રોકવાની કોશિશ ન કરી. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલરની સરખામણીએ રૂપિયો ૭૦નું લેવલ પાર કરી ચૂકયો હતો. રૂપિયાની પડતી થતાં વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારે એ કરી બતાવ્યું જે છેલ્લા ૭૦ વર્ષમાં નથી થયું.

(4:30 pm IST)