Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૩૦૦થી વધારે પાદરીઓએ છેલ્લા ૭૦ વર્ષમાં ૧,૦૦૦થી વધારે બાળકોનું યૌન શોષણ કર્યું

અમેરિકાના કેથોલિક ચર્ચોમાં યૌન શોષણ પર અત્‍યાર સુધીનો સૌથી મોટો તપાસ અહેવાલ

વોશિંગ્‍ટન તા. ૧૬ : પેન્‍સિલવેનિયા સુપ્રીમ કોર્ટે મંગળવારે કેથોલિક ચર્ચના પાદરીઓ દ્વારા યૌન શોષણ પર ગ્રાન્‍ડ જયુરીનો રીપોર્ટ જારી કર્યો હતો. આ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે ૩૦૦થી વધારે પાદરીઓએ છેલ્લા ૭૦ વર્ષમાં ૧,૦૦૦થી વધારે બાળકોનું યૌન શોષણ કર્યું છે. એટલું જ નહીં રીપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ચર્ચોએ પાદરીઓના આ ગુનાહિત કૃત્‍યો પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે.

સ્‍ટેટ એટોર્ની જનરલ જોશ શૈપિરોએ મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રિપોર્ટમાં ૧,૦૦૦થી વધારે પીડિતોની ઓળખ કરી લેવામાં આવી છે પરંતુ ગ્રાન્‍ડ જયુરીને વિશ્વાસ છે કે આ સંખ્‍યા હજી વધારે છે.

વોલ સ્‍ટ્રીટ જર્નલના જણાવ્‍યા પ્રમાણે અમેરિકાના કેથોલિક ચર્ચોમાં યૌન શોષણ પર આ અત્‍યાર સુધીનો સૌથી મોટો તપાસ અહેવાલ છે. ૧૮ મહિના સુધી ચાલેલી આ તપાસનું નેતૃત્‍વ એટર્ની જનરલ જોશ શૈપિરો કરી રહ્યા હતા. તેમની સાથે હેરિસબર્ગ, પીટ્‍સબર્ગ, એલેનટાઉન, સ્‍ક્રેનટન, એરી અને ગ્રીન્‍સબર્ગ જિલ્લાના અધિકારીઓ પણ સામેલ હતા.

૧૪૦૦ પાનાના આ અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે પેન્‍સિલવેનિયા અને વેટિકનમાં ચર્ચના વરિષ્ઠ અધિકારીઓએ આ યૌન શોષણના મામલાને વ્‍યવસ્‍થિત રીતે છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. શૈપિરોએ કહ્યું હતું કે આ મામલાઓને છૂપાવવાનું પરિણામ એવું રહ્યું છે કે હવે તે કેસ ચલાવવા માટે પણ ઘણા જૂના થઈ ગયા છે.

રીપોર્ટ મુજબ પાદરીઓએ છોકરા અને છોકરીઓ બંનેનું યૌન શોષણ કર્યું છે. રીપોર્ટમાં એખ ઉદાહરણ પ્રમાણે એલનટાઉન જિલ્લામાં યૌન શોષણની ફરિયાદ અંગે એક પાદરીની પૂછપરછ કરવામાં આવી તો તેમણે એક છોકરાના શોષણની વાત સ્‍વીકારી હતી અને કહ્યું હતું કે મહેરબાની કરીને મારી મદદ કરો.

રીપોર્ટ મુજબ અન્‍ય એક મામલામાં પાદરીએ નવ વર્ષના છોકરાને ઓરલ સેક્‍સ કરવા માટે મજબૂર કર્યો હતો અને ત્‍યારબાદ તેનું મોઢુ પવિત્ર પાણીથી ધોઈ દીધું હતું. અન્‍ય એક પાદરીએ દાયકાઓ પહેલા એક છોકરી સાથે બળાત્‍કારની વાત સ્‍વીકારી હતી. પાદરીના જણાવ્‍યા પ્રમાણે પીડિત છોકરી તે સમયે સાત વર્ષની હતી અને હોસ્‍પિટલમાં ટોન્‍સિલ્‍સના ઈલાજ માટે ભરતી કરવામાં આવી હતી.

ઘણા પાદરીઓએ રીપોર્ટ જારી કરવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટનું શરણ લીધું હતું જેથી કરીને રીપોર્ટમાંથી તેમનું નામ કે એવી કોઈ પણ જાણકારી હટાવી દેવામાં આવે જેનાથી તેમની ઓળખ થઈ શકે. આ પાદરીઓએ દાવો કર્યો છે કે જો રીપોર્ટમાં તેમનું નામ જાહેર થઈ ગયું તો તેનાથી તેમની પ્રતિષ્ઠા ખરડાઈ જશે.

(10:27 am IST)