Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

આંધ્રબેંક સાથે 5 હજાર કરોડની છેતરપિંડી ના આરોપી સાંડેસરા ગ્રુપના નીતિન સાંડેસરાની દુબઇથી ધરપકડ

 

આંધ્રબેંક સાથે 5 હજાર કરોડની છેતરપિંડી આચરવાના આરોપી સાંડેસરા ગ્રુપના નીતિન સાંડેસરાની દુબઇથી ધરપકડ કરાઇ છે. સાંડેસરા ગ્રુપ જે વડોદરાની ફાર્મા કંપની છે. આ ફાર્મા કંપનીના માલિક નીતિન સાંડેસરા છે. ભારતીય એજન્સી દ્વારા દુબઇથી નીતિન સાંડેસરાની ધરપકડ કરાઇ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે નીતિન સાંડેસરાના ફરાર થઇ ગયા બાદ ઇડી દ્વારા સાંડેસરા ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરાઇ હતી.જેમાં 4 હજાર 701 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી. ગુજરાત, મુંબઈ સહિતના અનેક સ્થળો પર દરોડા દરમ્યાન 50થી વધુ બેંક ખાતાનો ખુલાસો થયો હતો. સાંડેસરા ગ્રૂપે આંધ્ર બેંક સાથે જોડાયેલા એક કંસોર્ટિયમ પાસે પાંચ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ આ લોનની ચૂકવણી ન કરતા તે એનપીએમાં ફેરવાઈ ગઈ હતી. આ ગોટાળા મામલે ચેતન સાંડેસરા, દિપ્તી ચેતન સાંડેસરા, રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, નીતિન સાંડેસરા સામે ફરિયાદ થઈ હતી.

  આ ઉપરાંત વિલાસ દોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમંત હૈતી ઉપરાંત અજ્ઞાત લોકો સામે પણ ફરિયાદ થઈ હતી. સાંડેસરા ગ્રૂપે આંધ્ર બેંક, યુકો બેંક, એસબીઆઈ, બેંક ઓફ ઈન્ડિયા અને અલાહાબાદ બેંક પાસેથી લોન લીધી હતી. આ લોનના નાણા દેશ-વિદેશમાં 300 બોગસ કંપનીઓ ખોલી ચાઉં કરી જવાનો આરોપ છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે સાંડેસરા ગ્રૂપના કર્મચારીઓને બોગસ કંપનીઓના ડિરેક્ટર બનાવાયા હતા બેંકોમાંથી લોન લઈ અલગ-અલગ સ્થળો પર શાનદાર બંગલા અને બેનામી સંપત્તિ બનાવવાનો આરોપ છે. સાથે જ લેન્ડ રોવર, મર્સીડીસ, BMW જેવી મોંઘી કાર ખરીદવામાં આવી હતી.

  ઈડીએ તેની કાર્યવાહી દરમ્યાન સાંડેસરા ગ્રૂપની સ્થાયી અને અસ્થાયી મિલકતો જપ્ત કરી છે. સાથે જ રેન્જ રોવર કાર, નકલી ચેકબૂક, 200થી વધુ બેંક ખાતા અને બાયોટેક પ્લાન્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

(12:00 am IST)