Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પાકિસ્તાની વાયુસેના તાલિબાનને કરે છે મદદ : અફઘાનિસ્તાનનો ગંભીર આરોપ

તાલિબાનને સીમાવર્તી વિસ્તારોમાંથી હટાવવાની કોશિશ ન કરે.: પાકિસ્તાને આપી ચેતવણી

કાબુલ : અફઘાનિસ્તાનમાં સ્થિતિ દિવસે દિવસે અતિશય ખરાબ થતી જાય છે. પાકિસ્તાનની સરહદ નજીક અફઘાન સૈન્ય અને તાલિબાની આતંકવાદીઓ વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. એ વચ્ચે પાક. વાયુસેના તાલિબાનને મદદ કરતી હોવાનો ગંભીર આરોપ અફઘાનિસ્તાને મૂક્યો હતો.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સરહદે અફઘાન સૈન્ય અને તાલિબાની આતંકવાદીઓ વચ્ચે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. કેટલીય ચોકીઓ તાલિબાને કબજે કરી લીધી છે અને કેટલીય ચેક પોસ્ટ પરથી અફઘાન સૈનિકોને ભગાડી મૂક્યા છે. એ બધા વચ્ચે અફઘાનિસ્તાનના ઉપપ્રમુખ અમરૃલ્લા સાલેહે પાકિસ્તાન ઉપર ગંભીર આરોપ મૂકતા કહ્યું હતું કે પાકિસ્તાનની વાયુસેના તાલિબાની આતંકવાદીઓને મદદ કરી રહી છે. અફઘાનિસ્તાનના ઉપપ્રમુખે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સરકારે અફઘાન સરહદે તૈનાત અફઘાનિસ્તાનના સૈનિકો અને એરફોર્સને ચેતવણી આપી છે કે તાલિબાનને સીમાવર્તી વિસ્તારોમાંથી હટાવવાની કોશિશ ન કરે. અમરૃલ્લા સાલેહે કહ્યું હતું કે પાકિસ્તાન એરફોર્સ ખુલીને તાલિબાનીઓની મદદમાં ઉતરી છે. અફઘાનિસ્તાનના સૈન્યનો પરાજય થાય તે માટે પાકિસ્તાન સૈન્ય સક્રિય થયું છે અને એમાં પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર ખાસ રસ લઈ રહી છે.
પાકિસ્તાનની આર્મી ઘણા વિસ્તારોમાં તાલિબાનને મદદ કરી રહી હોવાના અફઘાનિસ્તાનના ઉપપ્રમુખના દાવાને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પાયાવિહોણા ગણાવ્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનનો દાવો જૂઠો છે. પાકિસ્તાને તો અફઘાનિસ્તાનની વાયુસેનાને સરહદે વિશેષ ઓપરેશનની પરવાનગી પણ આપી હતી. જોકે, અફઘાનિસ્તાનના ઉપપ્રમુખના દાવાના કારણે ફરીથી પાકિસ્તાન તાલિબાનીઓનો મદદ કરતું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

(12:27 am IST)