Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમરનાથની હવે થશે વર્ચ્યુઅલ યાત્રા જિયો ટીવીમાં થશે લાઇવ આરતી

બાબા અમરનાથજીના ભક્તો હવે ઘેરબેઠાં તેમના દર્શન સાક્ષાત કરી શકશે

જામનગર : રિલાયન્સ જિયો દ્વારા શ્રી અમરનાથજી ગુફાની આરતી લાઇવ સ્ટ્રીમિંગ કરવાનું શરૂ દેવામાં આવ્યું છે. બાબા અમરનાથજીના ભક્તો હવે ઘેરબેઠાં તેમના દર્શન સાક્ષાત કરી શકશે. મુશ્કેલ પહાડી માર્ગો અને પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે જિયો દ્વારા ખૂબ જ ઓછા સમયમાં જરૂરી નેટવર્ક અને માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી હતી, તેમ આ મામલાના જાણકારોએ જણાવ્યું હતું.
ગત અઠવાડિયે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના હસ્તે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વિવિધ ઓનલાઇન સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે ભક્તોને તેમના આરાધ્ય દેવની પૂજા-અર્ચનાનો સાક્ષાત અનુભવ કરાવી શકે. લાખો ભક્તો આ વર્ષે કોવિડ-19 મહામારીના કારણે શ્રી અમરનાથજીની પવિત્ર ગુફાના દર્શન કરી શક્યા નથી તેમના માટે શ્રાઇન બોર્ડ વર્ચ્યુઅલ મોડમાં દર્શન, હવન અને પ્રસાદ સહિતની સુવિધાઓ લાવ્યું છે. ભક્તો હવે પૂજા, હવન અને પ્રસાદ ઓનલાઇન બૂક કરી શકે છે અને ગુફાના પૂજારી ભક્તોના નામે પૂજા હવન કરાવશે. બૂક કરાવેલો પ્રસાદ ભક્તોના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે તેમ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું.

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ઓનલાઇન સેવાઓમાં હવે ભક્તો સમગ્ર વિશ્વમાં ગમે ત્યાંથી પવિત્ર ગુફામાં ભગવાન શિવજીની ઓનલાઇન વર્ચ્યુઅલ પૂજા અને હવન કરી શકશે. અને હવે, રિલાયન્સ જિયોએ જિયોટીવી પર લાઇવ આરતીનો અલૌકિક અનુભવ ભક્તો સમક્ષ રજૂ કર્યો છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી કરોડો ભક્તો જિયોની અન્ય વિવિધ એપ્લિકેશનો પરથી કેટલીક સેવાઓ મેળવી શકે છે, તેમ જાણકારોએ જણાવ્યું હતું.

હાલ ચાલી રહેલી મહામારીના પગલે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) દ્વારા વર્ષ 2021 માટે અમરનાથ યાત્રા રદ કરી દેવામાં આવી છે, તેના પરિણામે આ વર્ષે ભક્તો પવિત્ર શિવલિંગના દર્શન નહીં કરી શકે. આ પરિસ્થિતિમાં ભક્તો તેમના આરાધ્ય દેવની ભક્તિ ઘરબેઠા કરી શકે તે માટે જિયો દ્વારા જિયો ડિજિટલ લાઇફ થકી એક અનોખો વર્ચ્યુઅલ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જિયો ટીવીની સમર્પિત ચેનલ પર લાઇવ આરતીનું સ્ટ્રીમિંગ નિહાળી શકશે અને જિયોમીટ પર વર્ચ્યુઅલ પૂજા અને હવન કરી શકાશે. તેના દ્વારા ભક્તો વર્ચ્યુઅલ પૂજા રૂમમાં જઈને પૂજારીની હાજરીમાં પોતાના નામ અને 'ગોત્ર'ના ઉલ્લેખ સાથે પૂજા કરી શકશે.આ ઉપરાંત, જિયો સાવન પર ચલો અમરનાથ નામનું પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં શ્રી અમરનાથજીને સમર્પિત ગીતો અને 'ભજનો' માણી શકશે

(10:20 pm IST)