Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભાજપથી ડરનારાની કોંગ્રેસ પાર્ટીને જરૂર નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ સાથે રાહુલની બેઠક : આરએસએસની વિચાર ધારા વાળાઓની પક્ષમાં જરૂર ન હોવાનું ભાજપથી નહીં ડરવા કોંગ્રેસના નેતાની શિખ

નવી દિલ્હી, તા.૧૬ : રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને આરએસએસના માણસો જણાવ્યા. પાર્ટીની સોશિયલ મીડિયા યુનિટ સાથે બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસને નીડર લોકોની જરૂર છે, નબળા લોકોની નહીં. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં એવા લોકોની જરૂર નથી જે સંઘની વિચારધારામાં વિશ્વાસ રાખે છે. આવા લોકોને પાર્ટીની બહારનો રસ્તો બતાવી દેવો જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, એવા ઘણા લોકો છે, જે નીડર છે, પરંતુ કોંગ્રેસમાં નથી. તેમને પાર્ટીમાં લાવવા જોઈએ અને જે કોંગ્રેસી ડરે છે (ભાજપથી) તેમને બહારનો રસ્તો બતાવી દેવો જોઈએ. આપણને એવા લોકોની જરૂર નથી, જે આરએસએસની વિચારધારામાં વિશ્વાસ રાખે છે. આપણને નીડલ લોકોની જરૂર છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ઘણા બધા લોકો છે, જે નથી ડરતા... કોંગ્રેસની બહાર છે... તેમને અંદર લાવો અને જે આપણે ત્યાં ડરી રહ્યા છે, તેમને બહરા કાઢો... ચાલો ભાઈ જાઓ. આરએસએસના છો, જાઓ ભાગો, મજા લો. નથી જોઈતા, જરૂર નથી તમારી. આપણને નીડર લોકો જોઈએ. તે આપણી આઈડિયોલોજી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના ફેક ન્યૂઝથી ડરવાની જરૂર નથી. જો વડાપ્રધાન કહે છે કે, યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં કોરોના સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે સારું કામ કર્યું છે, તો તેના પર હસો. પીએમ જો કહે છે કે, ભારતના ક્ષેત્રમાં ચીન નથી ઘસ્યું, તો તેના પર હસો. તેમણે વોલન્ટિયર્સને સંબોધિત કરતા કહ્યું કે, લોકોએ હવે ભાજપ દ્વારા ફેલાવાતા ફેક ન્યૂઝ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. એટલે હવે કોઈએ ભાજપથી ડરવાની જરૂર નથી.

(9:02 pm IST)