Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઓગસ્ટામાં મહિલાના પલંગ નીચેથી ૧૮ સાપ મળી આવ્યા

બેડ નીચે કંઈક હલન-ચલન જણાંતા મહિલાએ તપાસ કરી : મહિલાનો પતિ ગ્રેબર ટૂલની મદદથી સાપને લિનન બેગમાં ભરી ઘર નજીકના એક નાળા પાસે છોડી આવ્યો

જોર્જિયા, તા.૧૬ : રાતે તમે આરામથી ઊંઘી રહ્યા હો અને દરમિયાન કોઈ ડરામણું સપનું આવે તો તરત આંખ ખૂલી જાય. પરંતુ જરા વિચારો કે તમે જે બેડ પર રોજ ઊંઘો છો તેની નીચે એક નહીં પરંતુ ૧૮-૧૮ સાપ રહે છે, તો તમારી હાલત કેવી થશે?. પરંતુ આવી ઘટના હકીકતમાં બની છે જોર્જિયાના ઓગસ્ટામાં રહેતી ટ્રિશ વિલ્ચર સાથે. ગત રવિવારે રાતે તેને તેના બેડ નીચે એક સાપ દેખાયો. થોડા સમય બાદ ખબર પડી કે સાપ એકલો નથી પરંતુ તેની સાથે તેનું આખું ટોળુ છે. રિપોર્ટ પ્રમાણે, માદા સાપ સાથે મળીને ટ્રિશના બેડ નીચે કુલ ૧૮ સાપ રહેતા હતા.એક મીડિયા સાથે વાત કરતાં ટ્રિશ વિલ્ચરે જણાવ્યું કે, શરુઆતમાં મને લાગ્યું હતું કે વાળનો ગુચ્છો હશે. પરંતુ મેં જોયું કે, તે હલન-ચલન કરી રહ્યું હતું તો મારી ચિંતા વધી ગઈ. અને હા જેવી મારી નજર બીજા સાપ પર પડી તો તરત મારા પતિ પાસે દોડી ગઈ અને જણાવ્યું કે, બેડ નીચે સાપે ઘર બનાવી લીધું છે.

જે બાદ તેના પતિ મેક્સે સમજદારીથી કામ લીધું અને ગ્રેબર ટૂલની મદદથી સાપને નુકસાન પહોંચાડ્યા વગર એક લિનન બેગમાં ભરી લીધા. બાદમાં તેને ઘર નજીકના એક નાળા પાસે છોડી આવ્યો. જણાવી દઈએ કે, જોર્જિયામાં બિનઝેરી સાપને મારવા તે ગેરકાયદાકીય છે. ટ્રિશે ફેસબુક પર ઘટનાની તસવીર અને કહાણી શેર કરી છે.

ટ્રિશ વિલ્ચરે સાપની તસવીરો શેર કરીને લખ્યું છે 'મારા બેડરુમમાં રહેલા સાપના તમામ બાળકોને જુઓ. હું ડરી ગઈ છું'.

અન્ય પોસ્ટમાં તેણે લખ્યું છે આજે સાપને પકડવાવાળા ડેન આવી રહ્યા છે. હું બેસવા કરતાં અહીંયાથી ત્યાં જવામાં પણ ડરી રહી છું. લાગે છે કે મને બાદ કાર્ડિયોલોજિસ્ટની રૂ પડી શકે છે'.

(7:21 pm IST)